Money9 Gujarati:
Tata Sons 2024 IPO: ટાટા ગ્રૂપ 2024માં પાંચ કંપનીના IPO લાવે તેવી શક્યતા છે. ગયા વર્ષે ટાટા ટેકનોલોજિસનો IPO આવ્યો હતો અને 500 રૂપિયાનો શેર 1,300ના ભાવે લિસ્ટ થયો હતો. આજે પણ તેનો શેર 1,000 રૂપિયાની ઉપર છે. હવે ટાટા ગ્રૂપ તેની હોલ્ડિંગ કંપની ટાટા સન્સનો મેગા IPO લાવવાની તૈયારી કરી રહ્યું હોવાના રિપોર્ટ્સ મળ્યાં છે. આ ઉપરાંત, ટાટા ગ્રૂપ હવે ટાટા પ્લે, ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને બિગબાસ્કેટનો IPO લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
ટાટા સન્સ આગામી દોઢ વર્ષમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. ટાટા સન્સ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ લાવી શકે છે અને આ આઈપીઓ દ્વારા ટાટા સન્સ બજારમાંથી લગભગ રૂપિયા 55000 કરોડ એકત્ર કરી શકે છે. ટાટા સન્સનું મૂલ્ય 8 થી 11 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. ટાટા સન્સ પોતે 100 જેટલી લિસ્ટેડ કંપનીમાં રોકાણ ધરાવે છે અને તેનું મૂલ્ય 16 લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, ખાનગી રોકાણનું મૂલ્ય લગભગ 2 લાખ કરોડ રૂપિયા છે. RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને અપલ લેવલની NBFC જાહેર કરી હતી જેના કારણે સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવી જરૂરી બની છે.
મુંબઈ સ્થિત સ્પાર્ક MWP પ્રાઈવેટ લિમિટેડે ટાટા સન્સ પર સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે. સંશોધન વિશ્લેષક વિદિત શાહ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલ મુજબ ટાટા ગ્રૂપની સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ કંપનીઓમાં ટાટા સન્સના રોકાણનું બજાર મૂલ્ય 16 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે જ્યારે અનલિસ્ટેડ રોકાણોની બુક વેલ્યુ 0.6 લાખ કરોડની આસપાસ હોઈ શકે છે. ગ્રૂપ સેમિકન્ડક્ટર અને ઈવી બેટરીના બિઝનેસમાં પ્રવેશ્યા પછી અનલિસ્ટેડ રોકાણનું બજાર મૂલ્ય રૂપિયા 1-2 લાખ કરોડ થઈ શકે છે.
અહેવાલ મુજબ રોકાણકારો હોલ્ડિંગ કંપનીની ઇક્વિટી મૂલ્યની ગણતરી કરતી વખતે 30 થી 60 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. 60 ટકા ડિસ્કાઉન્ટ આપીને ટાટા સન્સનું મૂલ્ય રૂપિયા 7.8 લાખ કરોડ અને અનલિસ્ટેડ રોકાણનું મૂલ્ય રૂપિયા 1.6 લાખ કરોડ થાય છે. અહેવાલ મુજબ બજાર ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ હોલ્ડિંગ્સને સમાન શ્રેણીમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે. રિપોર્ટ અનુસાર ટાટા સન્સના 80 ટકા હોલ્ડિંગનું મુદ્રીકરણ કરી શકાતું નથી. આ પુનર્ગઠનની પ્રક્રિયા દ્વારા ટાટા સન્સનું રિ-રેટિંગ શક્ય છે.
દોરાબજી ટાટા ટ્રસ્ટ ટાટા સન્સમાં 28 ટકા હિસ્સો ધરાવે છે. તો રતન ટાટા ટ્રસ્ટ પાસે 24 ટકા, અન્ય પ્રમોટર્સ ટ્રસ્ટ પાસે 14 ટકા, સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પાસે 9 ટકા, સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ પાસે 9 ટકા, ટાટા મોટર્સ અને ટાટા કેમિકલ્સ પાસે 3 ટકા, ટાટા પાવર 2 ટકા, ઇન્ડિયન હોટેલ્સ 1 ટકા છે. કંપનીઓ પાસે 7 ટકા હિસ્સો છે. ટાટા સન્સના વેલ્યુએશનમાં TCSનો મોટો ફાળો છે જેમાં તેની પાસે 72.4 ટકા હોલ્ડિંગ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો