Tata Motors બે અલગ લિસ્ટેડ કંપનીમાં ડિમર્જ થશેઃ શેરધારકોને સમાન શેરહોલ્ડિંગ મળશે
ટાટા મોટર્સ તેના કમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસને એક કંપનીમાં તથા પેસેન્જર વ્હિકલ (PV), ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) અને જેગુઆર લેન્ડર રોવર (JLR) બિઝનેસને એક અલગ કંપનીમાં ડિમર્જ કરશે.
Tata Motors Demerger: દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ બે અલગ કંપનીમાં વહેંચાઈ જશે. ટાટા મોટર્સના બોર્ડે ટાટા મોટર્સ લિમિટેડને બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીમાં ડિમર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. એક કંપનીમાં કમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસ હશે જ્યારે બીજી કંપનીમાં પેસેન્જર વ્હિકલ (PV) બિઝનેસ હશે.
મહત્ત્વની વાત એ છે કે, ટાટા મોટર્સના તમામ શેરધારકો ડિમર્જર પછી બંને લિસ્ટેડ કંપનીમાં સમાન શેરહોલ્ડિંગ જાળવી રાખશે. ટાટા મોટર્સનો શેર 4 માર્ચે 988.90 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.
કમર્શિયલ વ્હિકલ બિઝનેસ ધરાવતી કંપનીમાં તેને સંબંધિત રોકાણ સામેલ છે જ્યારે પેસેન્જર વ્હિકલ બિઝનેસ ધરાવતી કંપનીમાં PV, EV, JLR અને તેને સંબંધિત રોકાણનો સમાવેશ થશે. આ ડિમર્જર પ્રક્રિયા NCLT સ્કીમ ઑફ અરેન્જમેન્ટ મારફતે પાર પાડવામાં આવશે.
ટાટા મોટર્સના કમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસ, પેસેન્જર વ્હિકલ (PF+EV) બિઝનેસ અને જેગુઆર લેન્ડ રોવર (JLR) બિઝનેસે છેલ્લાં કેટલાક વર્ષોથી મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું છે અને વિવિધ વ્યૂહરચનાઓનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું છે. 2021થી આ તમામે તમામ બિઝનેસનું સંચાલન પોતપોતાના CEO હેઠળ સંભાળવામાં આવે છે.
ડિમર્જર પ્રક્રિયા પૂરી થવામાં એકથી દોઢ વર્ષ લાગી શકે છે. તેનાથી કર્મચારીઓ, ગ્રાહકો કે કંપનીના બિઝનેસ પાર્ટનર્સને કોઈ ગંભીર કે અસર નહીં પહોંચે, એમ કંપનીએ જણાવ્યું છે.
ડિસેમ્બર 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ટાટા મોટર્સે 7,100 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 133 ટકા વધારે છે. કંપનીની આવક પણ 25 ટકા વધીને 1.11 લાખ કરોડ રૂપિયા થઈ હતી.
Published - March 4, 2024, 05:15 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો