Money9 Gujarati:
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) અને બેન્ક ઈન્ડોનેશિયા વચ્ચે સમજૂતી કરાર (MoU) થયા છે. બંને દેશે ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે લોકલ કરન્સી ભારતીય રૂપિયો (INR) અને ઈન્ડોનેશિયન રૂપૈહા (IDR)નો ઉપયોગ વધારવા માટે માળખું વિકસાવવાના પ્રયાસ કરશે. બંને દેશ હવે દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપશે. મુંબઈ ખાતે 7 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં RBIના ગવર્નર શક્તિકાંતા દાસ અને બેન્ક ઈન્ડોનેશિયાના ગવર્નર પેરી વારજિયોએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
RBIએ જણાવ્યું છે કે, બંને દેશ લેવડદેવડ માટે એક સિસ્ટમ બનાવવા પર કામ કરશે. ભારતીય રૂપિયો અને ઈન્ડોનેશિયન રૂપૈયામાં (IDR) વ્યવહાર થઈ શકે તે માટે બંને દેશની કેન્દ્રીય બેંક વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ બન્યા બાદ બંને દેશના એક્સપોર્ટર અને ઈમ્પોર્ટરને ફાયદો થશે. તેઓ સ્થાનિક ચલણમાં જ બિલની ચૂકવણી કરી શકશે. આવી રીતે લેવડદેવડ કરવાથી બંને પક્ષનો સમય પણ બચશે.
RBIએ કહ્યું કે સમજૂતી કરારનો ઉદ્દેશ્ય INR અને IDRના ઉપયોગને દ્વિપક્ષીય રીતે પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ સહકાર RBI અને બેન્ક ઈન્ડોનેશિયા (BI) વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દ્વિપક્ષીય વ્યવહારોમાં સ્થાનિક ચલણનો ઉપયોગ આખરે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપારને પ્રોત્સાહન આપવા તેમજ નાણાકીય એકીકરણ અને પરસ્પર લાંબા સમયથી ચાલતા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત કરવામાં ફાળો આપશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો