ભારતનાં અગ્રણી બિઝનેસ જૂથ રિલાયન્સે વિશ્વની મહાકાય મનોરંજન કંપની Walt Disney સાથે મેગા મર્જરની જાહેરાત કરી છે. અમેરિકા સ્થિત Walt Disney સાથે મુકેશ અંબાણીની કંપનીએ કરેલા સોદાનું 70,352 કરોડ રૂપિયા (8.5 અબજ ડૉલર) છે. આ સોદા હેઠળ રિલાયન્સની Viacom18 અને ડિઝનીની Star Indiaને એકબીજામાં ભેળવી દેવામાં આવશે અને Joint Venture (સંયુક્ત સાહસ) રચવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) દ્વારા 11,500 કરોડ રૂપિયા રોકવામાં આવશે.
નીતા અંબાણી ચેરપર્સન
આ સંયુક્ત સાહસનો 16.34 ટકા હિસ્સો RIL પાસે, 46.82 ટકા હિસ્સો Viacom18 પાસે અને 36.84 ટકા હિસ્સો Disney પાસે રહેશે. આ સંયુક્ત સાહસના ચેરપર્સન તરીકે નીતા અંબાણી હોદ્દો સંભાળશે. વાઈસ ચેરપર્સન તરીકે ઉદય શંકર વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે.
આ સંયુક્ત સાહસ પાસે સમગ્ર ભારતમાં 75 કરોડ દર્શકો હશે તે ભારતની બહાર વસતા ભારતીય નાગરિકોને પણ મનોરંજન પૂરું પાડશે. આ સંયુક્ત સાહસને ભારતમાં ડિઝનીની ફિલ્મો અને પ્રોડક્શન્સ વિતરણ કરવાના એક્સક્લુઝિવ અધિકાર પણ ફાળવવામાં આવશે.
RILના CMD મુકેશ અંબાણીએ આ ભાગીદારી અંગે કહ્યું છે કે, આ એક સીમાચિહ્નરૂપ કરાર છે જે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં એક નવા યુગની શરૂઆત કરે છે. અમે હંમેશા ડિઝનીને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ મીડિયા જૂથ તરીકે માન આપ્યું છે અને આ વ્યૂહાત્મક સંયુક્ત સાહસની રચના કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ જે અમને અમારા વ્યાપક સંસાધનો, સર્જનાત્મક પરાક્રમ અને બજારની આંતરદૃષ્ટિને રાષ્ટ્રભરના પ્રેક્ષકોને પોસાય તેવા ભાવે અપ્રતિમ સામગ્રી પહોંચાડવામાં મદદ કરશે. રિલાયન્સ જૂથના મુખ્ય ભાગીદાર તરીકે અમે ડિઝનીને આવકારીએ છીએ.
Published - February 28, 2024, 08:02 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો