MONEY9 GUJARATI:
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારા ગ્રાહકોને ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. જો તમે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદ્યું હશે અને ચાર્જરના પૈસા અલગથી ચૂકવ્યા હશે, તો તમારા ખાતામાં ચાર્જરના પૈસા જમા થઈ જશે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી ઓલા, એથર, હીરો, ટીવીએસ જેવી અગ્રણી કંપનીઓ તેમના ગ્રાહકોને ચાર્જરના પૈસા પરત કરશે. આ કંપનીઓએ ગ્રાહકો પાસેથી ચાર્જરના પૈસા અલગથી વસૂલ્યા હતા, જે હવે પરત કરશે. રિફન્ડની રકમનો આંકડો અંદાજે રૂ.288 કરોડ છે.
ફરિયાદ બાદ રિફન્ડઃ
ઈલેક્ટ્રિક વ્હિકલ બનાવતી કંપનીઓએ ગ્રાહક પાસેથી ચાર્જર માટે અલગથી રૂ.10,000થી લઈને 15,000 રૂપિયા વસૂલ્યા હતા. ગ્રાહકોને આ પૈસા પરત મળશે. ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી મળતી હોવાથી ગ્રાહકોમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું આકર્ષણ વધ્યું હતું, પરંતુ સાથે સાથે ફરિયાદો પણ વધી હતી. 2023માં ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે, કંપનીઓ તેમની પાસેથી ચાર્જની કિંમત અલગથી વસૂલે છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે કંપનીઓને નોટિસો ફટકારી હતી. આ ફરિયાદો અને સરકારની દરમિયાનગીરી બાદ, કંપનીઓ હવે ચાર્જરના પૈસા પરત કરશે. ગ્રાહકોને ફરિયાદ હતી કે, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપનીઓ સરકાર પાસેથી તો ફેમ સબસિડી લેતી હતી, પરંતુ તેનો પૂરેપૂરો લાભ ગ્રાહકોને આપતી નહોતી.
કંપનીઓએ કરી જાહેરાતઃ
જો તમે ઓલા કે એથર પાસેથી ઈલેક્ટ્રિક ઈલેક્ટ્રિક વાહન ખરીદ્યું હશે, તો ટૂંક સમયમાં તમને ફાયદો થઈ શકે છે. આ બંને કંપની તેમના ગ્રાહકોને ચાર્જરની કિંમત પરત કરવાની છે. ઓલા ઈલેક્ટ્રિકે ટ્વિટર પર જાહેરાત કરી છે કે, કંપની તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સના ગ્રાહકોને ચાર્જરના પૈસા પૈસા પાછા આપશે. આ રકમ અંદાજે રૂ.130 કરોડ હોવાની શક્યતા છે. ઓલાએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોના માર્કેટમાં જબરજસ્ત તેજી નોંધાઈ છે. આ માર્કેટમાં અમારું પ્રભુત્વ છે, આથી અમે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને ચાર્જરના પૈસા પરત કરવા માંગીએ છીએ. ઓલાના આ નિર્ણયથી ગ્રાહકોમાં ઓલા બ્રાન્ડ પ્રત્યે ભરોસો વધશે. ટીવીએસ મોટરે પણ ગુડવીલ બેનિફિટ સ્કીમ હેઠળ તેના ગ્રાહકોને રૂ.20 કરોડ ચૂકવવાની જાહેરાત કરી છે. આ લાભ પહેલેથી પૈસા ચૂકવી દીધા હોય તેવા લોકોને મળશે. જે ગ્રાહકે ફેમ-2 સબસિડી હેઠળ નક્કી થયેલી મર્યાદા કરતાં વધુ પૈસા ચૂકવ્યા હશે, તેમને ટીવીએસ તરફથી રિફન્ડ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો