Money9 Gujarati:
દેશમાં હવાઈસફર કરનારા સતત વધી રહ્યાં છે. ઉનાળુ વેકેશનના દિવસોમાં તો દેશનાં એરપોર્ટ પર મેળા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા અને દૈનિક ધોરણે 4 લાખથી પણ વધારે લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. દેશમાં એર ટ્રાફિક રેકોર્ડ લેવલે પહોંચ્યો છે. આમ દેશનાં મોટા ભાગનાં એરપોર્ટ્સ ખોટ કરી રહ્યાં છે અને ખાસ તો, ખાનગી કંપનીઓને સોંપવામાં આવેલા એરપોર્ટ સૌથી વધુ ખોટ નોંધાવી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, અદાણીને સોંપવામાં આવેલા તમામ 7 એરપોર્ટ્સે 2022-23માં ખોટ નોંધાવી છે જ્યારે સરકાર-સંચાલિત 125 એરપોર્ટ્સમાંથી 17 એરપોર્ટ્સે નફો નોંધાવ્યો છે જ્યારે બાકીના 108 એરપોર્ટ ખોટ તો કરી રહ્યાં છે, પરંતુ તેમની ખોટ ધીમે ધીમે ઓછી થઈ છે.
અમદાવાદ એરપોર્ટે કરી સૌથી વધુ ખોટ
નાણાકીય વર્ષ 2022-23માં અદાણી સંચાલિત તમામ એરપોર્ટ્સે ખોટ નોંધાવી છે. સૌથી વધુ ખોટ અમદાવાદ એરપોર્ટને ગઈ છે. અદાણીના અંકુશ હેઠળનાં અમદાવાદ હવાઈમથકે 2022-23માં રૂ. 408.51 કરોડની ખોટ નોંધાવી છે, જે દેશનાં કોઈ પણ એરપોર્ટ્સ કરતાં સૌથી વધારે છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 2020ની 7 નવેમ્બરથી અદાણી જૂથને સોંપવામાં આવ્યું હતું. અદાણી ગ્રૂપને 50 વર્ષ અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરવાના અધિકાર મળ્યાં છે. અદાણીએ અમદાવાદ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારથી વિવિધ સુવિધાના ભાવ વધારી દીધા છે. પેસેન્જર ફીથી લઈને પાર્કિંગ ચાર્જ ઊંચા હોવાથી શરૂઆતમાં ભારે હોબાળો પણ થયો હતો. અમદાવાદ એરપોર્ટ પ્રવાસીઓથી ધમધમવા છતાં અદાણીને ખોટ કેવી રીતે ગઈ હશે તે સવાલે લોકોમાં અચરજ જગાવ્યું છે.
અદાણી ગ્રૂપના તમામ એરપોર્ટ્સ ખોટમાં
અદાણી ગ્રૂપ સંચાલિત દેશનાં તમામ 7 એરપોર્ટ્સે ખોટ નોંધાવી છે. સરકારે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ અદાણી ગ્રૂપને સોંપેલા તમામ 7 એરપોર્ટે નાણાકીય વર્ષ 2022-23માં ખોટ કરી છે, જેમાં સૌથી વધુ ખોટ અમદાવાદ એરપોર્ટને ગઈ છે. દેશમાં 14 એરપોર્ટનું સંચાલન PPP મોડેલ હેઠળ થાય છે, જેમાંથી 7 એરપોર્ટનું સંચાલન સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે અદાણી ગ્રૂપ કરે છે. આ એરપોર્ટમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, જયપુર, થિરુવનંતપુરમ્, ગુવાગાટી, લખનૌ અને મેંગાલુરુનો સમાવેશ થાય છે.
એરપોર્ટમાં ખોટમાં છતાં અદાણીની કંપની નફામાં
રસપ્રદ વાત એ છે કે, અદાણી સંચાલિત એરપોર્ટ્સ ખોટ કરી રહ્યાં છે પરંતુ હોલ્ડિંગ કંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિ. (AAHL) નફો કરી રહી છે અને 2022-23માં તેણે નફો નોંધાવ્યો છે. આ કંપની પાસે સાતેય એરપોર્ટસનું સંચાલન કરવાના રાઈટ્સ છે. તે કેટલીક પેટાકંપનીઓ પણ ચલાવે છે અને તેના દ્વારા આ એરપોર્ટ્સ ખાતે વિવિધ સર્વિસ પૂરી પાડે છે. આ સર્વિસ દ્વારા કંપની નફો કરી રહી છે.
સરકાર સંચાલિત હવાઈમથકોની સ્થિતિ સુધરી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના હાથમાં જે એરપોર્ટ છે તેની ખોટમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2018-19માં AAIની ખોટ 651.2 કરોડ હતી, જે હવે 461.59 કરોડ થઈ છે. લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ રજૂ કરેલા આંકડા અનુસાર, AAI દ્વારા ચલાવવામાં આવતા 125 એરપોર્ટ્સમાંથી 17 એરપોર્ટ્સે નફો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2022માં નફાકારક હવાઈમથકોની સંખ્યા માત્ર 9 હતી, જે 2022-23માં લગભગ ડબલ થઈ ગઈ છે. 2022-23માં AAIના અંકુશ હેઠળનાં 125 એરપોર્ટમાંથી 14 એરપોર્ટને નફો કે નુકસાન થયા નથી જ્યારે 92 એરપોર્ટને ખોટ ગઈ છે.
સરકાર સંચાલિત કોલકાતા એરપોર્ટ નફામાં
AAI સંચાલિત એરપોર્ટ્સમાં સૌથી વધુ નફો કોલકાતા એરપોર્ટે નોંધાવ્યો છે. આ હવાઈમથકે 2022-23માં 482.2 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ત્યારબાદ ચેન્નાઈ એરપોર્ટે 169.56 કરોડ રૂપિયા જ્યારે કોઝીકોડ એરપોર્ટે 95.38 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.
કોલકાતા – Rs 482.3 Cr ચેન્નાઈ – Rs 169.56 Cr કાલીકટ – Rs 95.38 Cr પૂણે – Rs 74.94 Cr ગોવા – Rs 48.39 Cr
એવિએશન એક્સપર્ટનો મત
એવિએશન એક્સપર્ટ્સ કહે છે કે, એરપોર્ટ માત્ર જાકમજાળ ધરાવતા અત્યાધુનિક બિલ્ડિંગ નથી. આ એવા બિલ્ડિંગ છે જ્યાં પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સતત ફેરફાર કરવા પડે છે. સેફ્ટી સ્ટાન્ડર્ડ્ઝ મહત્ત્વનાં છે. એરપોર્ટની આવકમાં વધારો થાય તો જ એરપોર્ટના સંચાલનનો ખર્ચ નીકળે. જોકે, તાજા આંકડા પરથી આ દલીલ યોગ્ય લાગતી નથી. સરકાર એરપોર્ટનું સંચાલન ખાનગી માલિકોને સોંપી રહી છે, પરંતુ અમદાવાદ કે મુંબઈ જેવા વિશાળ એરપોર્ટના ડેવલપમેન્ટ પાછળ થતો ખર્ચ ઘણો વધારે હોય છે અને તેને રિકવર કરવામાં સમય લાગે છે. જે હવાઈમથકોનો એર-ટ્રાફિક ઓછો છે તેનું ખાનગીકરણ કરવાથી નફો રળવાની સરકારની નીતિ અયોગ્ય હોવાનું નિષ્ણાતો જણાવે છે.
અન્ય ખાનગી એરપોર્ટ્સની સ્થિતિ
GMR ગ્રૂપ સંચાલિત દિલ્હીના એરપોર્ટે પણ 2022-3માં રૂ. 284 કરોડની ખોટ નોંધાવી છે. જોકે, બેંગાલુરુ અને કોચી એરપોર્ટે નફો કર્યો છે. ખાનગી કંપની બેંગાલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (BIAL) સંચાલિત બેંગાલુરુ એરપોર્ટે દેશમાં સૌથી વધુ નફો રળ્યો છે. 2022-23માં બેંગાલુરુ હવાઈમથકે રૂ. 528.31 કરોડનો નફો નોંધાવ્યો છે. કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (CIAL) સંચાલિત કોચી એરપોર્ટ દેશનું પ્રથમ PPP મોડેલ હેઠળ આપવામાં આવેલું એરપોર્ટ છે અને તેણે પણ 2022-23માં રૂ. 267.17 કરોડનો નફો નોંધાવ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો