Money9: ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે ભારતના જીડીપી માટે તેના અંદાજમાં વધારો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ્સના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2025માં દેશની જીડીપી 7.1 ટકાની ઝડપે વધશે. ઈન્ડિયા રેટિંગ્સનો આ અંદાજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કરતા વધારે છે. આરબીઆઈએ જીડીપી 7 ટકાની ઝડપે વધવાનો અંદાજ મૂક્યો હતો. રેટિંગ એજન્સીએ સોમવારે કહ્યું કે અર્થતંત્રની આ ઝડપી ગતિ સરકારી અને ખાનગી રોકાણની મદદથી જળવાશે. ઈન્ડિયા રેટિંગ્સે તેના અગાઉના અહેવાલમાં ભારતીય જીડીપીના 6.5 ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ મૂક્યો હતો. તાજેતરના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે સકારાત્મક સંકેતો હોવા છતાં, સ્થાનિક વપરાશના ઉતાર-ચડાવથી ભરેલા આંકડા અને નિકાસ ક્ષેત્રને આવી રહેલી સમસ્યાઓ થોડીક ચિંતાનો વિષય જરુર બની શકે છે. મોંઘવારી અને દુનિયામાં ચાલી રહેલી આર્થિક અને રાજકીય કટોકટી પણ એક્સપોર્ટ સેક્ટર માટે એક પડકાર છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL ના રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની 9 મેના રોજ બોર્ડ મીટિંગ કરી રહી છે, જેમાં બોનસ શેરના મુદ્દા પર વિચારણા કરવામાં આવશે. જો મંજૂરી મળશે, તો કંપની દ્વારા છેલ્લા સાત વર્ષમાં શેરધારકોને આપવામાં આવેલું આ પ્રથમ બોનસ હશે. જો કે બોનસ આપવાની રેકોર્ડ ડેટ હજુ નક્કી કરવામાં નથી આવી. અગાઉ, HPCL એ 2016 માં 2:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા હતા, એટલે કે પહેલાથી જ રાખેલા દરેક એક શેર માટે બે મફત શેર આપ્યા હતા. તો 2017 માં પણ કંપનીએ 1:2 ના ગુણોત્તરમાં બોનસ શેર આપવાની મંજૂરી આપી હતી.
ભારતમાં NRI માટે મોટા સમાચાર આવ્યા છે. હવે તેઓ ઈન્ટરનેશનલ નંબર પરથી UPI પેમેન્ટ કરી શકશે.. ICICI બેંકે આ ઓફર કરી છે… બેંકના NRI ગ્રાહકો ભારતમાં ICICI બેંકની સાથે તેમના NRI/NRO બેંક ખાતામાં નોંધાયેલા તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર સાથે યૂટિલિટી બિલ, વેપારી અને ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન્સ માટે પેમેન્ટ કરી શકે છે. અગાઉ NRI ને UPI પેમેન્ટ કરવા માટે તેમની બેંકો સાથે ભારતીય મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો જરૂરી હતો. હવે, તેઓ ICICI ની iMobile Pay મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન દ્વારા UPI પેમેન્ટ કરવા માટે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકે છે… બેંકે આ સુવિધા 10 દેશો USA, UK, UAE, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયામાં રજૂ કરી છે. બેંકના NRI ગ્રાહકો હવે કોઈપણ ભારતીય QR કોડ સ્કેન કરીને અને UPI ID અથવા કોઈપણ ભારતીય મોબાઈલ નંબર અથવા ભારતીય બેંક ખાતામાં પૈસા મોકલીને UPI પેમેન્ટ કરી શકે છે…
જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL આ વર્ષે ઓગસ્ટથી દેશભરમાં 4G સેવા શરૂ કરશે. BSNLની આ સેવા સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત હશે. આનો ઉપયોગ કરીને BSNLએ પંજાબમાં 4G સેવા શરૂ કરી છે અને લગભગ 8 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. BSNLના અધિકારીઓએ 4G નેટવર્ક પર 40-45 મેગાબાઇટ પ્રતિ સેકન્ડની મહત્તમ સ્પીડનો દાવો કર્યો છે, જેને પાયલોટ ફેઝ દરમિયાન 700 મેગાહર્ટ્ઝના પ્રીમિયમ સ્પેક્ટ્રમ બેન્ડમાં તેમજ 2,100 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પણ લોન્ચ કરવામાં આવી છે.
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી હવે સૌથી લોકપ્રિય કારનું બિરુદ ગુમાવી ચૂકી છે. ટાટા મોટર્સે આ રેસ બાજી મારી છે. ભારતીય કાર ઉદ્યોગમાં સૌથી મોટા અપસેટમાંના એકમાં, ટાટાની મિની એસયુવી પંચ દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તેણે મારુતિના લોકપ્રિય મોડલ વેગનઆર, સ્વિફ્ટ અને બ્રેઝાને પાછળ રાખી દીધી છે. પંચે માર્ચ 2024માં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી હતી. માર્ચમાં પંચના કુલ 17,547 યૂનિટનું વેચાણ થયું હતું જ્યારે WagonR 16,368 યૂનિટ સાથે ત્રીજા ક્રમે રહી. એનાલિસ્ટ્સના મતે હ્યુન્ડાઈની એસયુવી ક્રેટા માર્ચમાં વેચાણની દ્રષ્ટિએ બીજા ક્રમે રહી હતી. તેનું કુલ વેચાણ 16,458 યુનિટ હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો