Money9 Gujarati:
2024માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહે તેવી શક્યતા છે. વેપારજગતનાં સંગઠન ASSOCHAM દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાંધકામ, હોસ્પિટાલિટી અને રેલવે તથા એવિએશન જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ વધવાથી ગ્રાહક માંગ મજબૂત થશે, જેના લીધે અર્થતંત્રની વૃદ્ધિને વેગ મળશે.
સરકારી ખર્ચ વધ્યો છે અને મેન્યુફેક્ચરિંગમાં વધારો થયો છે, જેના લીધે જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં દેશનો GDP વૃદ્ધિદર 7.6 ટકાના અપેક્ષા કરતાં ઊંચા સ્તરે રહ્યો છે અને ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનું બિરુદ જાળવી રાખ્યું છે. RBIએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ તેનાથી વિપરિત દેશનું અર્થતંત્ર 7.6 ટકાના દરે વધ્યું છે. માત્ર RBI નહીં પરંતુ મોટાભાગના અંદાજો ખોટા પડ્યા છે. ભારતનું અર્થતંત્ર જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 6.2 ટકા અને એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં 7.8 ટકાના દરે વિકસ્યું હતું.
જુલાઈ-સપ્ટેમ્બરમાં ચીનનો GDP ગ્રોથ રેટ 4.9 ટકા રહ્યો હતો જ્યારે પશ્ચિમી અર્થતંત્રોમાં ઊંચા વ્યાજ દરો અને એનર્જીની ઊંચી કિંમતને કારણે દબાણનો સામનો કરી રહ્યાં છે.
ASSOCHAMના સેક્રેટરી જનરલ દીપક સૂદે જણાવ્યું છે કે, ”ભારતીય અર્થતંત્ર મજબૂતી સાથે પ્રગતિ કરી રહ્યું છે અને 7 ટકા વૃદ્ધિદરના સંકેત આપી રહ્યું છે. ભારતનું ભવિષ્ય ઊજળું લાગી રહ્યું છે.”
ASSOCHAMના જણાવ્યા અનુસાર, ફાઇનાન્શિયલ, કન્સ્ટ્રક્શન, હોટેલ્સ, એવિએશન, ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા અન્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોની આગેવાની હેઠળ ભારતીય કંપનીઓ નવા વર્ષમાં કામગીરીને વધુ સારી બનાવવાની દિશામાં કાર્યરત છે. ક્રૂડ ઓઈલની કિંમત નીચી રહેવાથી ફુગાવના મોરચે પણ કંપનીઓ માટે સાનુકૂળ માહોલ ઊભો થયો છે અને કાચા માલનો ખર્ચ નીચો રહેવાથી મદદ મળી રહી છે.
ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિ, વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્ધિ, રૂપિયાની સ્થિરતા અને માલસામાનની નિકાસમાં સુધારો થવાથી સરકારની બેલેન્સ શીટ વધુ મજબૂત થતી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો