Money9 Gujarati:
ભારતીય રૂપિયાએ મોટી છલાંગ લગાવી છે. છેલ્લાં ઘણા મહિનાથી ડૉલર સામે નબળો પડી રહેલો રૂપિયો 15 ડિસેમ્બરે એકાએક વધી ગયો હતો. છેલ્લાં 8 મહિનાથી પણ વધારે સમયમાં રૂપિયાએ એક દિવસમાં આટલો મોટો ઉછાળો નોંધાવ્યો નથી. અમેરિકન ડૉલર સામે રૂપિયો 33 પૈસા વધીને 83ના ભાવે બંધ રહ્યો છે. ઈન્ટ્રા-ડે દરમિયાન રૂપિયો 82.94ની ઊંચી સપાટી સુધી સુધર્યો હતો. અગાઉના દિવસે એક ડૉલર 83.33 રૂપિયાનો હતો.
ફોરેન એક્સચેન્જના ટ્રેડર્સ જણાવે છે કે, રૂપિયાએ છેલ્લાં 8 મહિનામાં એક જ દિવસમાં આટલો મોટો ઉછાળો નોંધાવ્યો નથી. 15 ડિસેમ્બરનો દિવસ છેલ્લાં 8 મહિનામાં રૂપિયા માટે બેસ્ટ બની રહ્યો છે. સવારમાં 83.32ના સ્તરે ખુલીને ઈન્ટ્રા-ડે દરમિયાન 82.94ની ઊંચી સપાટી બનાવીને રૂપિયો 83ના લેવલે બંધ રહ્યો છે.
નવાઈની વાત એ હતી કે, આજે રૂપિયાની આટલી મોટી છલાંગમાં RBIની ગેરહાજરી જોવા મળી હતી અથવા તો એમ કહી શકાય કે RBIએ વધારે દરમિયાનગીરી કરવાનું ટાળ્યું હતું. નહીંતર, RBI સતત દરમિયાનગીરી કરતી આવી છે અને રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે ડૉલર વેચતી રહી છે. જોકે, છેલ્લાં કેટલાક સપ્તાહથી RBIએ ડૉલરની વેચવાલી અટકાવી છે અને ડૉલર ભેગા કરીને વિદેશી હુંડિયામણ 600 અબજ ડૉલરની ઉપર પહોંચાડી દીધું છે. 3 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન RBIએ વિદેશી હૂંડિયામણમાં 15 અબજ ડૉલરથી પણ વધુ ઉમેરો કર્યો છે.
ભારતમાં ડૉલરનો પ્રવાહ વધવાથી અને ઈક્વિટી માર્કેટ્સમાં તેજી જળવાઈ રહેવાને કારણે રૂપિયાને ટેકો મળ્યો છે. 14 ડિસેમ્બરની બેઠકમાં અમેરિકન ફેડરલ રિઝર્વે રેટ કટના સંકેત આપ્યા બાદ અમેરિકન ડૉલર ઘટ્યો છે અને 10-વર્ષીય બૉન્ડ યીલ્ડ 4 ટકાની નીચે પહોંચી ગઈ છે, જેના લીધે અન્ય ચલણમાં મજબૂતી જોવા મળી છે. સમગ્ર એશિયાના ચલણમાં ઉછાળો આવ્યો છે.
ફોરેક્સ ટ્રેડર્સ જણાવે છે કે, કોર્પોરેટ-સંબંધિત ડૉલરનો પ્રવાહ નોંધપાત્ર વધવાથી રૂપિયાને ટેકો મળ્યો છે. આ ઉપરાંત, FTSEમાં રિ-બેલેન્સિંગને કારણે HDFC બેન્કમાં 50 કરોડ ડૉલરનું રોકાણ ઠલવાયું હોવાની શક્યતાને લીધે પણ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો છે.
વૈશ્વિક સ્તરે જે ઘટનાઓ બની રહી છે, તેના લીધે પણ રૂપિયો વધ્યો છે. જેમકે, ફેડની બેઠક બાદ, ડૉલર ઈન્ડેક્સ (US DXY) 102ની નીચે જતો રહ્યો છે અને US 10-year યીલ્ડ 4 ટકાનું સ્તર તોડીને નીચે ઉતરી ગઈ છે.
ભારતીય શેરબજાર તેજીની સફરે નીકળી ગયું છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને ઈન્ડેક્સ નવા શિખરો સર કરી રહ્યાં છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)એ ભારતીય શેરબજારમાં 40,000 કરોડ રૂપિયાથી પણ વધુ રોકાણ કર્યું છે. FII (ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ)એ 15 ડિસેમ્બરે 9,239 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હોવાથી ભારતીય શેરબજારમાં અઢળક ડૉલર આવ્યા છે. આમ, સ્થાનિક પરિબળોએ રૂપિયાને તેના વાજબી સ્તર તરફ ધકેલ્યો છે. મોટી વિદેશી બેંકોમાંથી ડોલરનું વેચાણ વધ્યું છે. કરન્સી એક્સપર્ટને લાગે છે કે, રૂપિયામાં હવે તેજી જોવા મળશે અને આગામી દિવસોમાં 82.70થી 82.75 સુધીની રેન્જ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરે RBIએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, 8 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.816 અબજ ડૉલર વધીને 606.859 અબજ ડૉલરની ચાર મહિનાની ટોચે પહોંચ્યું છે. અગાઉના રિપોર્ટિંગ સપ્તાહમાં, કુલ ફોરેક્સ રિઝર્વ 6.107 અબજ ડૉલર વધીને 604.042 અબજ ડૉલર થયું હતું.
8મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ $3.089 અબજ વધી $536.699 અબજ થઈ છે, ડૉલરના સંદર્ભમાં ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા નોન-યુએસ યુનિટની વધ-ઘટ સામેલ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો