Money9 Gujarati:
દેશનાં નં.1 ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)એ લગભગ એક દાયકાથી પણ વધારે સમયથી સૌથી વધુ નફો કરતી કંપનીનો તાજ પહેરી રાખ્યો હતો, પરંતુ આ તાજ હવે SBIએ છીનવી લીધો છે. જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) ભારતની સૌથી જૂની બેન્ક છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન 2023) તેણે સૌથી વધુ નફો હાંસલ કર્યો છે, એમ બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
બેન્કો માટે સાનુકૂળ સંજોગો
કોરોના મહામારી બાદ અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું છે, જેનો ફાયદો ભારતની બેન્કોને મળી રહ્યો છે. જેમકે, લોનની માંગ જબરજસ્ત વધી છે, વ્યાજથી થતી કમાણી અને વ્યાજની ચૂકવણી વચ્ચેનો સ્પ્રેડ વધ્યો છે, માંડવાળ કરેલી લોનની રિકવરીમાં સુધારો થયો છે અને ડિપોઝિટ પણ વધી હોવાથી બેન્કોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. બેન્કિંગ ઉદ્યોગ માટે સર્જાયેલા આ સાનુકૂળ સંજોગોનો સૌથી વધુ ફાયદો SBIને મળ્યો છે, અને આ પરિબળોના જોરે SBIએ જૂન-2023 ક્વાર્ટરમાં રૂ. 66,860 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (adjusted for exceptional gains and losses) નોંધાવ્યો છે. તેની સામે RILએ 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 64,758 કરોડનો TTM-એડજસ્ટેડ નેટ પ્રોફિટ હાંસલ કર્યો છે. TTM એટલે 30 જૂને પૂરા થયેલા છેલ્લાં 12 મહિનાની તુલનાના આધારે થયેલો નફો.
SBI vs RIL
Q1FY24માં SBIનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) રૂ. 18,537 કરોડ થયો હતો, જેની સામે RILનો ચોખ્ખો નફો રૂ. 16,011 કરોડ રહ્યો હતો. આમ, બંને કંપનીના પ્રોફિટ વચ્ચેનું અંતર ઘણું વધારે છે. રસપ્રદ વાત એ છે કે, થોડાંક દિવસો અગાઉ પ્રકાશિત થયેલી Fortune 500 યાદીમાં SBIએ 235મો ક્રમ હાંસલ કર્યો હતો, પરંતુ RILએ 88મો ક્રમ હાંસલ કર્યો હતો, જે કોઈ પણ ભારતીય કંપની કરતાં વધારે છે.
અન્ય કંપનીઓનો નફો
પ્રૉફિટ લીગમાં અન્ય કંપનીઓની વાત કરીએ તો, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ જૂન-2023 ક્વાર્ટરમાં રૂ. 14,437 કરોડનો નફો રળ્યો હતો. ત્યારબાદ HDFC Bankએ રૂ. 12,370.40 કરોડ, TCSએ રૂ.11,074 કરોડ, BPCLએ રૂ.10,823.9 કરોડ, ICICI Bankએ રૂ.10,636.1 કરોડ, અદાણી પાવરે રૂ.8,759.4 કરોડ, HPCLએ રૂ.6,765.5 કરોડ અને એક્સિસ બેન્કે રૂ.6,091.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
RILને ટક્કર
ભારતની સૌથી વધુ નફો કરતી કંપનીઓના મોરચે RIL વર્ષોથી સરકારી ઓઈલ-ગેસ કંપનીઓ (ONGC અને IOC) સામે સ્પર્ધા કરતી હોય છે. પરંતુ છેલ્લાં 20 વર્ષમાં માત્ર બીજી વખત સરકારી બેન્કે છેલ્લાં 12 મહિનાના ધોરણે વધારે નફો હાંસલ કરીને RILને પાછળ રાખી છે. નાણાકીય વર્ષ 2011-12ના બીજા ક્વાર્ટરમાં SBIએ રૂ. 18,810 કરોડનો TTM-નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે RILના રૂ.18,588 કરોડના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ કરતાં થોડોક વધારે હતો. 10 વર્ષ અગાઉ IOCએ પણ RIL કરતાં વધારે નફો નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2012-13ના પ્રથમ ક્વાર્ટરમાં TTM ધોરણે IOCનો નફો વધારે રહ્યો હતો. નાણાકીય વર્ષ 2011-12ના ત્રીજા ક્વાર્ટર સુધી ONGC હંમેશા RIL કરતાં વધારે નફો કરતી હતી.
RILનો નફો કેમ ઘટ્યો?
સૌથી વધુ નફો રળતી કંપનીની યાદીમાં RILનું સ્થાન નીચે સરકવા પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સના વળતાં પાણી મુખ્ય છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઊથલપાથલ થઈ હોવાથી પેટ્રોકેમ બિઝનેસ પર માઠી અસર પડી હોવાથી RILનો નફો ઘટ્યો છે. આ બિઝનેસ ઘટવાથી RILના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 10.6 ટકા ઘટાડો થયો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો