દેશની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું છે કે, તેની પ્રથમ ઈલેક્ટ્રિક SUV ગુજરાતના હાંસલપુર ખાતેના તેના ઉત્પાદન પ્લાન્ટમાં સ્થાપવામાં આવનાર નવા યુનિટમાં બનાવવામાં આવશે. ફેબ્રુઆરી 2017માં શરૂ થયેલા હાંસલપુર પ્લાન્ટનું સંચાલન સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ. (SMG) કરે છે. આ કંપનીની સંપૂર્ણ માલિકી મારુતિ સુઝુકી પાસે છે.
મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) રાહુલ ભારતીએ જણાવ્યું છે કે, “અમારું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન SUV હશે જે આગામી નાણાકીય વર્ષ 2024-25માં રજૂ કરવામાં આવશે. આ વાહન SMGના ગુજરાત પ્લાન્ટમાંથી બનાવવામાં આવશે. આ EV બનાવવા માટે પ્લાન્ટમાં એક નવું યુનિટ ઉમેરવામાં આવશે.”
ભારતીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક SUVની નિકાસ વિદેશી બજારોમાં પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “અમે આ EV કારનું કોન્સેપ્ટ મોડલ પહેલેથી જ રજૂ કરી ચૂક્યા છીએ. આ SUVને એક વાર ચાર્જ કર્યા બાદ 550 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.”
SMGની મૂળ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને હાંસલપુર પ્લાન્ટમાં EV યુનિટ સ્થાપવા માટે રૂ. 3,100 કરોડનું રોકાણ કરવા માર્ચ 2022માં ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7.5 લાખ યુનિટ છે. અહીં કંપની બલેનો, સ્વિફ્ટ, ડિઝાયર, ફ્રન્ટ અને ટૂર એસ મોડલનું ઉત્પાદન કરે છે.
Published - December 6, 2023, 10:06 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો