Money9 Gujarati:
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ ગુજરાતની પાંચ સહકારી બેન્કોને 6.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બેન્કોએ RBIના વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. RBIએ સૌથી વધુ 2.5 લાખ રૂપિયાનો દંડ શ્રી મહિલા સેવા સહકારી બેંક લિ.ને ફટકાર્યો છે. અન્ય બેંકોમાં વેજલપુર નાગરિક સહકારી બેંક લિ., ખંભાત નાગરિક સહકારી બેંક લિ., પોરબંદર વિભાગિયા નાગરિક સહકારી બેંક લિ. અને સર્વોદય નાગરિક સહકારી બેંક લિ.નો સમાવેશ થાય છે.
આ તમામ સહકારી બેન્કોએ જમા કરાવેલા જવાબો અને તેમના પ્રતિનિધિઓએ આપેલા મૌખિક જવાબોને ધ્યાનમાં લીધા બાદ, RBI એવા તારણ પર આવી હતી કે, નિયમનું પાલન નહીં કરવાના આરોપો સાચા ઠરે છે અને આર્થિક દંડ લાદવાની ખાતરી મળે છે.
શ્રી મહિલા સેવા સહકારી બેન્ક – Rs 2.50 લાખ
પોરબંદર વિભાગિયા નાગરિક સહકારી બેન્ક – Rs 2 લાખ
સર્વોદય નાગરિક સહકારી બેન્ક – Rs 1 લાખ
વેજલપુર નાગરિક સહકારી બેન્ક – Rs 25,000
ખંભાત નાગરિક સહકારી બેન્ક – Rs 50,000
પ્રાથમિક અર્બન કો-ઓપરેટિવ બેંક (UCB) અને RBI કો-ઓપરેટિવ બેંક્સ દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવા અંગે RBI દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ શ્રી મહિલા સેવા સહકારી બેંકને 2.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
RBI દ્વારા 31 માર્ચ 2022 સુધીમાં તેની નાણાકીય સ્થિતિ અંગે હાથ ધરવામાં આવેલ નિરીક્ષણ અને ઈન્સ્પેક્શન રિપોર્ટ (IR), જોખમ મૂલ્યાંકન અહેવાલ (RAR) અને તમામ પત્રવ્યવહારની તપાસમાં જાણવા મળ્યું કે શ્રી મહિલા સેવા સહકારી બેંકે પ્રુડેન્શિયલ ઈન્ટર-બેન્ક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનો ભંગ કર્યો હતો.
બેંકે પાકતી મુદતની થાપણો પર પરિપક્વતાની તારીખથી લાગુ દરે તેમની ચુકવણીની તારીખ સુધી વ્યાજ ચૂકવ્યું નથી. તે રવિવાર, રજાઓ અને બિન-વ્યવસાયિક કામકાજના દિવસો માટે મુદતની થાપણો પર વ્યાજ ચૂકવવામાં પણ નિષ્ફળ રહી હતી.
પોરબંદર વિભાગિયા નાગરિક સહકારી બેન્ક, સર્વોદય નાગરિક સહકારી બેન્ક અને વેજલપુર નાગરિક સહકારી બેન્કે પ્રાથમિક UCB દ્વારા અન્ય બેન્કોમાં જમા કરાવેલી થાપણો અંગેના RBIના નિયમોનું પાલન કર્યું ન હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બેન્કોએ ઈન્ટર-બેન્ક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર લિમિટનો પણ ભંગ કર્યો હતો.
ડિરેક્ટર્સ, સંબંધીઓ અને તેઓ જે કંપનીઓમાં હિત ધરાવે છે તેમને લોન અને એડવાન્સ આપવાના RBના ધારાધોરણોનો ભંગ કરવા બદલ ખંબાત નાગરિક સહકારી બેન્કને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. બેન્કના ડિરેક્ટર પોતાના એક સંબંધી માટે ગેરન્ટર બન્યા હતા તેને જ આ બેન્કે લોન આપી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો