MONEY9: ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું બજાર જાણે કે, મરણપથારીએ પહોંચી ગયું છે. ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ એક્સચેન્જનું અસ્તિત્વ જ જોખમમાં છે, ત્યારે ક્રિપ્ટોને કરન્સીનું બિરુદ મળવાની વાત જ અભરાઈએ ચઢાવી દેવાનો વારો આવ્યો છે.
ક્રિપ્ટો એક્સચેન્જ પર આરોપ એવો આરોપ મૂકાયો છે કે, 10 ક્રિપ્ટો એક્સચેન્જે 1,000 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈ.ડી.ના હાથમાં છે. મીડિયાના અહેવાલ અનુસાર, મની લૉન્ડરિંગના આરોપસર ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સના ખાતાને ઈ.ડીએ. સીલ કરી દીધા છે. આરોપ મૂકવામાં આવ્યો છે કે, ચીન સાથે સંબંધ ધરાવતી એક કંપનીએ ક્રિપ્ટો એક્સચેન્જ મારફતે 100 કરોડ રૂપિયાના ક્રિપ્ટો કોઈન અન્ય દેશોમાં ટ્રાન્સફર કર્યાં અને એક્સચેન્જોએ પણ આંખ આડા કાન કરીને આ કંપનીને પૈસા ટ્રાન્સફર પણ કરવા દીધા. એક્સચેન્જે કેવાયસી પ્રક્રિયાનું પાલન કર્યા વગર એક મૂકપ્રેક્ષકની ભૂમિકા ભજવી અને આખોયે ખેલ આંખે પાટા બાંધીને જોયે રાખ્યો. તેમણે આ કંપની પાસે એકેય દસ્તાવેજ પણ ના માંગ્યા અને નિયમો નેવે મૂકીને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવા દીધા.
મની લૉન્ડરિંગ એવી આશંકા છે કે, મની લૉન્ડરિંગની શંકાના આધારે જ ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સના ખાતાને ઈ.ડીએ. સીલ કર્યાં છે. આ ખાતામાં લગભગ 65 કરોડ રૂપિયા જમા છે. એવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે કે, ઈ.ડી.ની નજરે ચઢેલાં અન્ય 10 એક્સચેન્જ સામે પણ ગમે ત્યારે તપાસ શરૂ થઈ શકે છે. માર્કેટમાં બીક છે કે, જો ઈ.ડી. તપાસનો સકંજો કસશે તો જે રોકાણકારોએ ક્રિપ્ટો એક્સચેન્જ મારફતે ક્રિપ્ટોકરન્સી ખરીદીને ફટાફટ રૂપિયા રળી લેવા માટે રોકાણ કર્યું હતું, તેમના રૂપિયા ફસાઈ જશે.
GSTની ચોરી ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ સામે અગાઉ પણ કરચોરી સહિતના આરોપો લાગી ચૂક્યા છે. સરકારે જ ચાલુ વર્ષના માર્ચમાં સંસદમાં માહિતી આપી હતી કે, 11 ક્રિપ્ટો એક્સચેન્જે 81 કરોડ રૂપિયાથી પણ વધુ જી.એસ.ટી. ભર્યો નહોતો. આ કેસમાં વધુ તપાસ થયા બાદ એક્સચેન્જ પાસેથી જીએસટીની રકમ વત્તા 14 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. જે એક્સચેન્જ પર સૌથી વધુ ગેરરીતિના આરોપ છે, તેમાં વઝીરએક્સ, કોઈન ડીસીએક્સ અને કોઈન સ્વિચ કુબેરનો સમાવેશ થાય છે.
અમેરિકામાં પસાર થયું બિલ ક્રિપ્ટો કરન્સી પર સરકારી કાતર ફરી વળી છે. ક્રિપ્ટોના ભાવ રોજેરોજ તૂટી રહ્યાં છે અને રોકાણકારોએ જંગી ખોટ ખાવાનો વારો આવ્યો છે. જોકે, તાજેતરમાં અમેરિકાથી એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના કોમોડિટી નિયમનકારે બિટકોઈન અને ઈથર કરન્સીને રેગ્યુલેશન હેઠળ લાવવાની વાત કરી છે. આ વાતને કાયદાનું સ્વરૂપ આપવા માટે અમેરિકન સંસદમાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે, એટલે આશા જન્મી છે કે, દુનિયાના સૌથી મોટા અર્થતંત્રમાં ક્રિપ્ટોને સ્વીકૃતિ મળી શકે છે.
ભારતમાં શું થશે? પરંતુ ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જને લઈને રોજેરોજ આશ્ચર્યજનક ખુલાસા થઈ રહ્યાં છે. રિઝર્વ બેન્કે તો અગાઉ પણ ક્રિપ્ટોને જોખમી ગણાવી છે, તેને જોતાં તો લાગે છે કે, ભારતમાં ક્રિપ્ટો કરન્સીની કહાનીનો ક્યાંક અંત તો નહીં આવી જાય ને…?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો