Money9 Gujarati:
સરકારે વિમાની ઈંધણ (Jet Fuel)ના ભાવમાં એક જ દિવસમાં 14 ટકાનો આકરો વધારો કર્યો છે. વિમાનમાં વપરાતું ઈંધણ સતત ત્રણ મહિનાથી મોંઘું થઈ રહ્યું છે. વિમાન ઉડાડવા પાછળ જે ખર્ચ થાય છે તેમાં 35-40 ટકા જેટલો હિસ્સો ઈંધણનો હોય છે, આથી એરલાઈન કંપનીઓ આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખે તેવી શક્યતા છે.
તહેવારોમાં ભાડાં વધશે?
ઉડ્ડયન બજારનાં નિષ્ણાતો જણાવે છે કે, તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે હવાઈ ટિકિટ મોંઘી થઈ શકે છે. ગણેશુ ચતુર્થી, નવરાત્રિ, દુર્ગા પૂજો અને દિવાળીના તહેવારોમાં હવાઈપ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થતો હોય છે અને બરોબર આવા સમયે હવાઈભાડાં વધી શકે છે. ઓછામાં પૂરું અમેરિકન ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે, જેથી એરલાઈન કંપનીઓના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ગોફર્સ્ટ એરલાઈન બંધ થઈ ગઈ છે, આથી હવાઈયાત્રીઓની મુશ્કેલી વધી શકે છે. એરલાઈન કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ કહે છે કે, ફેસ્ટિવલ સીઝનમાં ડિમાન્ડ વધી જાય છે પરંતુ તેની સામે સપ્લાયની સ્થિતિ ટાઈટ છે. આથી, હવાઈભાડાં વધવાની પૂરેપૂરી શક્યતા છે.
વિમાની ઈંધણ 3 મહિનામાં 24% મોંઘું થયું
જાહેર-ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના ડેટા અનુસાર, ઓગસ્ટમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમત 8.5 ટકા જ્યારે જુલાઈમાં 1.65 ટકા વધી હતી. સરકારે 1 સપ્ટેમ્બરે તેમાં એક જાટકે 14.12 ટકા વધારો કર્યો હતો. આમ, છેલ્લાં 3 મહિનામાં ATFની કિંમત 24 ટકા વધી ગઈ છે. પરિણામે, એરલાઈન્સનો ખર્ચ વધી રહ્યો છે. તાજા ભાવવધારા બાદ, ડોમેસ્ટિક એરલાઈન માટે એક કિલોલિટર ATFની કિંમત વધીને 1,12,419.33 રૂપિયા થઈ ગઈ છે, જે એક મહિના પહેલાં કિંમત 98,508.26 રૂપિયા હતી. ઈન્ટરનેશનલ એરલાઈન્સ માટે ATFની કિંમત 902.62 ડૉલરથી વધીને પ્રતિ કિલોલિટર 1,031.29 ડૉલર થઈ ગઈ છે. વધતા ખર્ચ સામે માર્જિનને સાચવી રાખવા માટે એરલાઈન્સ પાસે ભાડાં વધાર્યા સિવાયનો વિકલ્પ નથી.
એરલાઈન્સની ખોટ વધશે
રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા અનુસાર, ATFની કિંમતમાં સતત વધવાથી તેમજ ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગ સામે પડકાર ઊભો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય એરલાઈન્સ 5,000થી 7,000 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ નોંધાવે તેવો અંદાજ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો