MONEY9 GUJARATI:
HUL Products: વધતી મોંઘવારી વચ્ચે ભારતમાં દિવાળી પહેલાં મુખ્ય બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ સસ્તી થવાની શક્યતા છે. દેશની મહાકાય કંપની હિન્દુસ્તાન યુનીલિવર લિ. (HUL)ની પેરન્ટ કંપની યુનીલિવરે આગામી દિવસોમાં ઘણી ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઑફિસર (CFO) ગ્રીમ પિટકેથલીએ જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ આગામી દિવસોમાં ભારતનાં ગ્રાહકોને આપવામાં આવે તેવી શક્યતા છે. ભારતમાં ઘણી ચીજવસ્તુના ભાવ ઘટાડવા અંગે અમે વિચારી રહ્યાં છીએ. જોકે, તેમણે કહ્યું હતું કે, કંપની માત્ર અમુક ચીજવસ્તુના ભાવ ઘટાડશે.
કઈ પ્રોડક્ટ્સ સસ્તી થશે?
HUL ભારતમાં Lux સાબુ તથા surf excel જેવી લૉન્ડ્રી પ્રોડક્ટ્સની કિંમત ઘટાડવા અંગે વિચારી રહી હોવાનું સૂત્રો જણાવે છે. કંપની બૉડી વૉશ, ફેબ્રિક ક્લીનિંગ મટીરિયલ તથા ક્લીનિંગ મટીરિયલના ભાવ પણ ઘટાડી શકે છે. જો દેશની મુખ્ય FMCG કંપની તેની પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે તો હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરવા અંગે વિચારી શકે છે અથવા પ્રોડક્ટ્સના વજનમાં વધારો કરી શકે છે. દિવાળીના તહેવારો પહેલાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભાવ ઘટશે તો ગ્રાહકોને મોંઘવારીમાં થોડીક રાહત મળી શકે છે, કારણ કે, છેલ્લાં બે વર્ષથી મોંઘવારીને કારણે માત્ર ભારતની જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાની જનતા પરેશાન છે.
ભાવ ઘટાડવા પાછળના કારણ
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, યુનીલિવર તેની ફેબ્રિક ક્લીનિંગ અને સ્કીન ક્લીનિંગ પ્રોડક્ટ્સની કિંમત ઘટાડવા અંગે વિચારણા કરી રહી છે. ભાવ ઘટાડવા પાછળ બે પરિબળ છેઃ એક તો વૈશ્વિક સ્તરે કોમોડિટીની કિંમતમાં ઘટાડો થયો છે એટલે ગ્રાહકોને તેનો ફાયદો મળવો જોઈએ અને બીજું કારણ છે સ્થાનિક તથા લોકલ બ્રાન્ડ્સનું વધતું વેચાણ. ભારતમાં કેટલીક નાની અને પ્રાદેશિક બ્રાન્ડ્સ સતત બજારહિસ્સો વધારી રહી છે અને રાષ્ટ્રીય બ્રાન્ડ્સને મજબૂત ટક્કર આપી રહી છે. આથી, કંપની પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ વધારીને બજારહિસ્સો પરત મેળવવા માટે ભાવમાં ઘટાડો કરવા અંગે વિચારી રહી છે.
યુનીલિવરના અધિકારીનું કહેવું છે કે, કંપની સ્પર્ધાત્મક માહોલ જાળવી રાખવા માટે માત્ર એવી પ્રોડક્ટ્સની કિંમત ઘટાડવા અંગે વિચારી રહી છે, જેનાથી નફા પર નેગેટિવ અસર ન પડે. ઉલ્લેખનીય છે કે, HULએ ગયા સપ્તાહે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા, જેમાં તેનો નફો વાર્ષિક ધોરણે 0.3 ટકા ઘટ્યો હતો. કંપનીએ સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 2,665 કરોડનો નફો કર્યો હતો, જેની સામે ચાલુ વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 2,656 કરોડ રૂપિયા થયો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો