Money9 Gujarati:
ભારતના શેર બજારનું (Stock Market) વેલ્યુએશન અન્ય દેશોના શેરબજારોની તુલનાએ પ્રીમિયમ સ્તરે છે કારણ કે, ભારતમાં વૃદ્ધિની પ્રબળ શક્યતા છે અને અન્ય અર્થતંત્રોની સરખામણીએ ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર (Indian Economy Growth Rate) પણ વધારે છે. એટલું જ નહીં, પરંતુ આશાવાદ અને વિશ્વાસને કારણે પણ ભારતનું પ્રીમિયમ વેલ્યુએશન (Premium Valuation) વાજબી છે, એમ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું છે.
SEBI ભારતનાં મૂડી બજારનું નિયમન કરે છે અને પહેલીવાર તેનું વડપણ એક મહિલાના હાથમાં છે. તેમના મતે, ભારતીય બજારો મોંઘા લાગી શકે છે, પરંતુ ભારત માટે સમગ્ર વિશ્વને અત્યારે જે આશાવાદ અને વિશ્વાસ છે તેનું પ્રતિબિંબ આ પ્રીમિયમ વેલ્યુએશન દર્શાવે છે.
CII Corporate Governance Summit ખાતે આપેલા વક્તવ્યમાં બુચે જણાવ્યું હતું કે, “વિશ્વનાં અન્ય શેરબજારોના સરેરાશ પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ (PE) મલ્ટિપલની તુલનાએ ભારતીય શેરબજાર મોંઘું શા માટે લાગે છે… 22.2 ગણા મલ્ટિપલને ઘણા લોકો મોંઘું હોવાનું ગણાવે છે, તો પછી ભારતમાં રોકાણ શા માટે થઈ રહ્યું છે? કારણ કે, વિશ્વને ભારત પ્રત્યે જે આશાવાદ, વિશ્વાસ અને શ્રદ્ધા છે, તેનું પ્રતિબિંબ આ વેલ્યુએશનમાં ઝળકે છે, અને આથી આજે આપણા બજારો આટલો ઊંચો મલ્ટિપલ ધરાવે છે.”
ઉલ્લેખનીય છે કે, Sensex છેલ્લાં 1 વર્ષમાં 25 ટકાથી પણ વધુ ઉછળ્યો છે જ્યારે અમેરિકાનો Nasdaq લગભગ 14 ટકા વધ્યો છે અને S&P500 27 ટકાથી પણ વધારે ઉપર ગયો છે. યુરોપ અને એશિયાના અન્ય માર્કેટ્સની તુલનાએ ભારતીય બેન્ચમાર્કનું પર્ફોર્મન્સ નોંધપાત્ર રીતે સારું રહ્યું છે કારણ કે, ગયા વર્ષે Hang Seng 17 ટકા ઘટ્યો હતો જ્યારે Kospi 11 ટકા અને FTSE 4 ટકા વધ્યા હતા.
દરમિયાનમાં, માધબી પુરુ બુચે એમ પણ જણાવ્યું હતું કે, ભારતનાં રિટેલ રોકાણકારો દ્વારા ધરખમ રોકાણ થઈ રહ્યું છે અને તેના લીધે પણ ભારતીય શેરબજારોને ટેકો મળ્યો છે. ભારતનાં નાના રોકાણકારો શેરબજારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મજબૂત રોકાણ ઠાલવી રહ્યાં છે, અને તેના લીધે ભારતીય માર્કેટ અડીખમ રહ્યાં છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REIT) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) જેવી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટના મૂલ્યમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે અને તેનું મૂલ્ય કદાચ ભારતનાં GDP જેટલું પણ થઈ જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો