Money9 Gujarati:
ડિવિડન્ડ આપવા માટે જાણીતી અને બજારમાં ‘ડિવિડન્ડ મશીન’ તરીકે ઓળખાતી કંપની વેદાંતા લિમિટેડે (Vedanta Limited) વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. માઈનિંગ અને મેટલ્સ મેન્યુફેક્ચરિંગમાં અગ્રસ્થાન ધરાવતી વેદાંતાએ 18 ડિસેમ્બરે શેરદીઠ 11 રૂપિયાનું બીજુ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે 1 રૂપિયાના પ્રતિ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુના 1,100 ટકા થાય છે. કંપનીએ જણાવ્યું છે કે, વચગાળાના ડિવિડન્ડની કુલ રકમ 4,089 કરોડ રૂપિયા થાય છે.
18 ડિસેમ્બરે વેદાંતાનો શેર 1.4 ટકા વધીને 260 રૂપિયાએ બંધ રહ્યો હતો. તેની સરખામણીમાં સેન્સેક્સ 168 પોઈન્ટ (0.24 ટકા) ઘટીને 71,315ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં વેદાંતાના શેરમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો છે જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સમાં પાંચ ટકાનો વધારો થયો છે. વેદાંતા એક નેચરલ રિસોર્સિગ ગ્રુપ છે, જે એલ્યુમિનિયમ, ઝીંક-લીડ-સિલ્વર, તેલ અને ગેસ, આયર્ન ઓર, સ્ટીલ, કોપર, પાવર, ફેરો એલોય, નિકલ, સેમિકન્ડક્ટર અને કાચના વ્યવસાયમાં સક્રિય છે.
અનિલ અગરવાલની કંપની વેદાંતાએ શેરબજારોને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ડિવિડન્ડની ચુકવણીના હેતુ માટેની રેકોર્ડ તારીખ 27 ડિસેમ્બર, 2023 હશે અને વચગાળાનું ડિવિડન્ડ કાયદા હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય રીતે ચૂકવવામાં આવશે. વેદાંતાના શેર 27 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ પર અથવા એક દિવસ અગાઉ એક્સ-ડિવિડન્ડ થશે.
વેદાંતાએ જુલાઈ 2001થી અત્યાર સુધીમાં કુલ 41 વખત ડિવિડન્ડ આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં વેદાંતાએ શેરદીઠ કુલ 51.50 રૂપિયા ઇક્વિટી ડિવિડન્ડ પેટે ચૂકવ્યા છે. કંપનીએ અગાઉના નાણાકીય વર્ષમાં શેર દીઠ 70 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું, જે પ્રમાણે, ડિવિડન્ડ યીલ્ડ 24.35 ટકાના ઊંચા સ્તરે છે. વેદાંતાએ છેલ્લાં 5 નાણાકીય વર્ષમાં શેર દીઠ કુલ Rs 217.65નું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
નાણાકીય વર્ષ 2022-23 માટે વેદાંતાએ પાંચ વખત ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને શેર દીઠ કુલ 101.50 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 3 ડિવિડન્ડ જાહેર કર્યા હતા અને શેર દીઠ કુલ 45 રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યું હતું. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, વેદાંતાએ નાણાકીય વર્ષ 2020-21માં 9.5 રૂપિયા જ્યારે 2019-20માં 3.90 રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યું હતું. નાણાકીય વર્ષ 2018-19માં કંપનીએ 18.85 રૂપિયા જ્યારે 2017-18માં 38.90 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું.
અગાઉ, S&P ગ્લોબલ રેટિંગ્સે વેદાંતા લિમિટેડની પેરન્ટ કંપની વેદાંતા રિસોર્સિસના લાંબા ગાળાના ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ અને કંપનીના જાન્યુઆરી 2024, ઓગસ્ટ 2024 અને માર્ચ 2025ના બોન્ડ્સ પરના લાંબા ગાળાના ઇશ્યુ રેટિંગનું રેટિંગ ‘CCC’થી ડાઉનગ્રેડ કર્યું હતું.
ગ્લોબલ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે વેદાંતા પેરેન્ટ્સનું રેટિંગ નકારાત્મક અસરો સાથે ‘ક્રેડિટવોચ’ પર રહ્યું છે. ટ્રાન્ઝેક્શનની ગેરહાજરીમાં પરંપરાગત ડિફોલ્ટની સંભાવના વધારે છે. આ કંપનીની મોટી આગામી ડેટ મેચ્યોરિટીઝ અને આંતરિક રોકડ પ્રવાહ અને બાહ્ય ધિરાણ બંનેની નબળી ઍક્સેસને કારણે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો