Money9 Gujarati:
Tax Notice to Taxpayers: ટેક્સ વિભાગ છેલ્લાં કેટલાક દિવસથી અનેક કરદાતાને નોટિસ મોકલી રહ્યું છે. નોટિસમાં કરદાતા પાસે વર્ષો જૂનો ટેક્સ માંગવામાં આવે છે. અમુક કેસમાં તો 15 વર્ષ કરતાં પણ વધારે જૂની ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી છે. કરદાતાએ જે વર્ષનો ટેક્સ ભરી દીધો હોય તે વર્ષ માટે પણ ટેક્સ માંગવામાં આવ્યો છે, જેના લીધે નોટિસ મેળવનારા ઘણા લોકો ગુસ્સે ભરાયા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી નોટિસ જોઈને કરદાતા ગોથે ચઢ્યા છે, કારણ કે વર્ષો પહેલાં જે ટેક્સ ભરી દીધો છે, તેની કોઈ રસીદ અથવા સ્લિપ પડી નથી, તો હવે કેવી રીતે સાબિત કરવું કે તે વર્ષનો ટેક્સ ભરાઈ ગયો છે.
છેલ્લાં કેટલાક સપ્તાહથી આવક વેરા વિભાગે અનેક લોકોને નોટિસ પાઠવી છે અને તેમને એકાદ સપ્તાહની અંદર ટેક્સના પૈસા ભરવાની સૂચના આપી છે. નોટિસ મેળવનારા કરદાતા જણાવે છે કે, તેમણે કોઈ ટેક્સ ભરવાનો બાકી નથી. કેટલીક નોટિસ તો 2003-04 અને 2004-05ના વર્ષની છે. આ વર્ષનો ટેક્સ તો તે વખતના આઈટી રિટર્નમાં ભરાઈ ગયો હોવાનું કરદાતા જણાવે છે, પરંતુ તેમની પાસે ટેક્સ ભર્યો હોવાની કોઈ રસીદ, ચલાણ જેવા પુરાવા નથી. આવક વેરા વિભાગના સૂત્રો જણાવે છે કે, નવી ટેકનોલોજી અપનાવવાને કારણે આવક વેરા વિભાગ દ્વારા આ ભૂલ થઈ છે.
નોટિસમાં આ જૂની માંગણીને ચાલુ નાણાકીય વર્ષના રિફન્ડમાંથી કાપીને રિફન્ડ ચૂકવવાનું જણાવવામાં આવ્યું છે. મોટા ભાગનાં કિસ્સામાં ચૂકવણી થઈ ગઈ છે અથવા તો જરૂરી સુધારા કરીને વર્ષો અગાઉ કેસ બંધ થઈ ગયા છે, છતાં ઈનકમ ટેક્સ વિભાગની નવી સિસ્ટમમાં તે દેખાતું નથી. નોટિસમાં ટેક્સની રકમ મામૂલી હોય તો ઘણા લોકો કોઈ વાંધો ઉઠાવ્યા વિના ટેક્સ ભરી રહ્યાં છે. પરંતુ જેમની પાસે વધારે ટેક્સ માંગવામાં આવ્યો છે તેઓ ચિંતામાં મૂકાઈ ગયા છે.
ટેક્સ એક્સપર્ટ જણાવે છે કે, ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમની આંતરિક સિસ્ટમની ચકાસણી કરવી જોઈએ. જ્યાં સુધી નવી સિસ્ટમ સંપૂર્ણ રીતે અપડેટ ના થઈ જાય ત્યાં સુધી કોઈને નોટિસ મોકલીને પરેશાન ના કરવા જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો