Money9 Gujarati:
ભારતનું વિદેશી હુંડિયામણ (India’s forex reserves) 9.11 અબજ ડૉલર વધીને 615.97 અબજ ડૉલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 22 ડિસેમ્બરે જાહેર થયેલા ડેટા અનુસાર, 15 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો નોંધાયો છે અને તે 20 મહિનાની ટોચે પહોંચી છે. અગાઉ 8 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેન એક્સચેન્જ રિઝર્વ 2.82 અબજ ડૉલર વધીને 606.86 અબજ ડૉલર થયું હતું.
RBI દ્વારા બહાર પાડવામાં આવેલા સાપ્તાહિક આંકડાકીય અનુસાર, વિદેશી ચલણ અસ્કયામતો (FCA) 8.35 અબજ ડૉલર વધીને 545.05 અબજ ડૉલર થઈ છે. ડૉલરના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવેલ, FCAમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણની પ્રશંસા અથવા અવમૂલ્યનની અસરનો સમાવેશ થાય છે.
ગોલ્ડ રિઝર્વ 44.6 કરોડ ડૉલર વધીને 47.58 અબજ ડૉલર થયું છે, જ્યારે SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) 13.5 કરોડ ડૉલર વધીને 18.32 અબજ ડૉલર થયા છે. IMFમાં અનામત સ્થિતિ 18.1 કરોડ ડૉલર વધીને 5.02 અબજ ડૉલર થઈ છે.
નોંધનીય છે કે, ઓક્ટોબર 2021માં દેશની ફોરેક્સ રિઝર્વ 645 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. પરંતુ RBIએ રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે ડૉલર વેચ્યા હોવાથી આપણી રિઝર્વમાં ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, રૂપિયામાં ભારે અવમૂલ્યનને રોકવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ડોલરના વેચાણ સહિતના પગલાં ભરવામાં આવે છે અને લિક્વિડિટી મેનેજમેન્ટ દ્વારા બજારમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધવાથી દેશનાં અર્થતંત્રને ટેકો મળશે અને જ્યારે પણ રૂપિયામાં વોલેટાલિટી વધશે કે વધારે પડતું ધોવાણ થશે ત્યારે RBIને દરમિયાનગીરી કરીને રૂપિયો સાચવવામાં મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો