MONEY9 GUJARATI:
મધર ડેરીએ તેની ધારા બ્રાન્ડ હેઠળ વેચાતા ખાદ્ય તેલની મહત્તમ વેચાણ કિંમત (MRP)માં ઘટાડો કર્યો છે. કંપનીએ તાત્કાલિક અસરથી એક લિટર ખાદ્ય તેલના ભાવમાં રૂ.15થી રૂ.20નો ઘટાડો કર્યો છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય તેલની કિંમતમાં ઘટાડો થયો હોવાથી કંપનીએ સ્થાનિક ભાવમાં આ ઘટાડો કર્યો હોવાનું જણાવ્યું છે. ઘટાડેલા ભાવ સાથેનો માલ આવતા સપ્તાહથી બજારમાં આવે તેવી ધારણા છે. મધર ડેરીના આ પગલાં બાદ અન્ય કંપનીઓ પણ ખાદ્ય તેલમાં ઘટાડો કરે તેવી ધારણા છે. જો ખાદ્ય તેલની કિંમત નીચે જશે તો સરકારને ખાદ્ય ફુગાવો ઘટાડવામાં મદદ મળશે અને મોંઘવારીથી પરેશાન જનતાને મોટી રાહત મળશે.
ધારા બ્રાન્ડઃ
ધારા બ્રાન્ડ હેઠળ વેચાતા રિફાઈન્ડ સોયાબીન તેલની 1 લિટર પોલીપેકની કિંમત રૂ.170થી ઘટીને રૂ.150 કરવામાં આવી છે જ્યારે ધારા રિફાઈન્ડ રાઈસ બ્રાન ઓઈલ હવે રૂ.190ની જગ્યાએ રૂ.170 પ્રતિ લિટરમાં મળશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત ઘટીઃ
આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રકારનાં ખાદ્ય તેલની કિંમતમાં પ્રતિ ટન 200 ડૉલરથી લઈને 250 ડૉલર સુધીનો ઘટાડો થયો છે. જોકે, ભાવમાં ઘટાડાનો આ લાભ ભારતનાં ગ્રાહકોને મળ્યો નથી. કંપનીઓની દલીલ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં થયેલા ઘટાડાનો લાભ પહેલેથી જ આપવામાં આવ્યો છે. અગાઉ કિંમતમાં સારો એવો ઘટાડો કરવામાં આવ્યો હતો, એમ કંપનીઓએ જણાવ્યું હતું. જોકે, સરકારે 4 મેના રોજ, એક બેઠક યોજીને ખાદ્ય તેલ ઉદ્યોગના સંગઠનને કિંમતને તર્કસંગત કરવાની સૂચના આપી હતી. સંગઠનને જણાવવામાં આવ્યું હતું કે, તે તાત્કાલિક ધોરણે કંપનીઓ સાથે ચર્ચા કરે અને ખાતરી આપે કે, સ્થાનિક ખાદ્ય તેલની કિંમત તેની આંતરરાષ્ઠ્રીય કિંમત પ્રમાણે છે કે નહીં.
સરકારે આપી સૂચનાઃ
ખાદ્ય મંત્રાલયે તાજેતરમાં ખાદ્ય તેલ ઉદ્યોગના જૂથ SEAને ખાવાના તેલની MRP ઘટાડવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. મંત્રાલયે સૂચના આપી હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ખાવાનું તેલ સસ્તું થયું છે, પરંતુ ભારતમાં તે મુજબનો ઘટાડો થયો નથી. સરકારની આ સૂચના બાદ, મધર ડેરી દ્વારા ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત થઈ છે. ધારા બ્રાન્ડ હેઠળ વેચાતા રિફાઈન્ડ સોયાબીન તેલની 1 લિટર પોલીપેકની કિંમત રૂ.170થી ઘટીને રૂ.150 કરવામાં આવી છે જ્યારે ધારા રિફાઈન્ડ રાઈસ બ્રાન ઓઈલ હવે રૂ.190ની જગ્યાએ રૂ.170 પ્રતિ લિટરમાં મળશે.
અન્ય કંપનીઓની સ્થિતિઃ
મધર ડેરી ઉપરાંત, અન્ય કંપનીએ પણ ભાવ ઘટાડ્યા છે. ઓઈલ બ્રાન્ડ ફૉર્ચ્યુનની કિંમત તેમજ જેમિની એડિબલ એન્ડ ફેટ્સ ઈન્ડિયાએ તેની જેમિની બ્રાન્ડની એક લિટર તેલની કિંમતમાં રૂ.5થી રૂ.10નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક મંત્રાલયના આંકડા અનુસાર, એક લિટર મગફળીના તેલની કિંમત રૂ.189.95, સરસવ તેલની કિંમત રૂ.151.26, સોયા ઓઈલની કિંમત રૂ.137.38 જ્યારે સનફ્લાવર તેલની કિંમત રૂ.145.12 છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો