સરકારી કર્મચારીઓનું DA વધશે
1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના DAને લઇને એક મોટુ અપડેટ આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર સપ્ટેમ્બરમાં એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકા સુધીનો વધારો કરી શકે છે. હાલમાં મોંઘવારી ભથ્થું 42 ટકા છે, જે ટૂંક સમયમાં વધારીને 45 ટકા કરવામાં આવી શકે છે. આ અંદાજ શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા જૂન AICPI ઇન્ડેક્સના આંકડા પરથી લગાવવામાં આવ્યો છે.
બેંકોમાં 5 દિવસ જ કામ થશે
હવે ટૂંક સમયમાં બેંકોમાં 5 દિવસ કામકાજ થશે. કર્મચારીઓને શનિવાર અને રવિવારની રજા રહેશે. ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન તરફથી રવિવાર ઉપરાંત શનિવારે પણ બંધ રાખવાની સતત માંગ કરવામાં આવી રહી હતી, જેને હવે મંજૂર કરવામાં આવી છે. બેન્કર્સને વિશ્વાસ છે કે તેમની દરખાસ્તને ટૂંક સમયમાં નાણા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે.
ઘઉંના ભાવ અંકુશમા આવશે?
દેશમાં ઘઉંના વધતા ભાવને જોતા સરકાર આગામી દિવસોમાં મોટા નિર્ણયો લઈ શકે છે… આ માટે ઘઉં પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની સાથે જ સ્ટોક લિમિટને લઇને પણ સરકાર સખ્તાઇ વધારી શકે છે. આ વર્ષે સરકારે જેટલું ઘઉંના ઉત્પાદનનું અનુમાન લગાવ્યું હતું તેટલો પુરવઠો બજારમાં દેખાતો નથી… ઘઉંનો પુરવઠો વધારવા માટે, સરકાર રશિયાથી 90 લાખ ટન ઘઉંની આયાત કરવાની ડીલ કરી શકે છે… સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની ચિંતા વચ્ચે ઘઉંના ભાવ સતત ઉંચા જોવા મળી રહ્યા છે.
કઠોળની આયાતને મંજૂરી
ઘઉંની સાથે સાથે કઠોળ પણ વિદેશથી આવશે. મોઝામ્બિકમાંથી તુવેર અને અડદની દાળની આયાત બેરોકટોક ચાલુ રહેશે. સરકારે 31 માર્ચ 2024 સુધી કોઇપણ જાતના પ્રતિબંધ વગર તુવેર અને અડદ દાળની આયાતને મંજૂરી આપી છે. ફ્રી કેટેગરીમાં તેની આયાત ચાલુ રહેશે. મોઝામ્બિકથી ભારતમાં 2 લાખ ટન તુવેરની ખરીદી સુનિશ્ચિત કરવામાં આવી છે. દેશમાં કઠોળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે તુવેરની આયાત પર 10 ટકાની ડ્યુટી પણ હટાવી દીધી છે.
પેટ્રોલ-ડીઝલ સસ્તુ નહીં થાય
દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા ઘટી ગઇ છે. ક્રૂડ ઓઈલના મોટા નિકાસકાર સાઉદી અરેબિયાએ સપ્ટેમ્બર સુધી ઉત્પાદનમાં પ્રતિદિન 10 લાખ બેરલનો ઘટાડો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના ઘટી ગઈ છે. ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતોમાં તેજી લાવવા માટે સાઉદી અરેબિયાએ જુલાઈમાં તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 10 લાખ બેરલના કાપની જાહેરાત કરી હતી. હવે સાઉદી અરેબિયાએ સપ્ટેમ્બરના અંત સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
MSMEને બેંક ધિરાણમાં ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, વાર્ષિક ધોરણે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે MSME માટે બેંક ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો થયો છે. રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, જૂનમાં મધ્યમ ઉદ્યોગોને અપાયેલી લોનમાં 13.2 ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષે 47.8 ટકા હતો. તે જ રીતે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને આપવામાં આવતી લોનમાં 13 ટકાનો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉ 29.2 ટકા હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો