Money9: ઇન્ડિગોએ આપ્યો ઝટકો
ડોમેસ્ટિક માર્કેટની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ઇન્ડિગોએ તેની કેટલીક પસંદગીની સીટો પર ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારે આની જાહેરાત કરતા, ઈન્ડિગોએ માહિતી આપી છે કે પેસેન્જરોએ આગળની સીટ જ્યાં તે લેગરૂમની સાથે XL સીટ હોય છે ત્યાં બેસવા માટે વધુ ભાડું ચૂકવવું પડશે. એરલાઇનના A320 અથવા A320 neo એરક્રાફ્ટમાં 180 અથવા 186 સીટમાંથી, 18 એવી સીટ છે જે આગળની XL સીટ હોય છે. હવે આ વિન્ડો સીટ માટે પેસેન્જર 2000 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તો આગળની મિડલ સીટ માટે મુસાફરોએ હવે 1500 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે. અગાઉ, એરલાઇન્સ કંપની આ સીટો માટે 150 થી માંડીને 1500 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ વસૂલતી હતી.
થાળી સસ્તી થઇ
ડુંગળી અને ટામેટાંના ભાવમાં ઘટાડાને કારણે ડિસેમ્બર 2023માં સામાન્ય માણસની થાળી 5 ટકા સુધી સસ્તી થઈ ગઈ છે. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ રિસર્ચ દ્વારા સોમવારે જાહેર કરાયેલા ‘રાઇસ રોટી રેટ’ રિપોર્ટ અનુસાર, ઘરે બનાવેલી શાકાહારી થાળીની કિંમતમાં ગયા મહિને 3 ટકાનો ઘટાડો થયો છે. માંસાહારી થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર તહેવારોની સિઝન બાદ ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. માસિક ધોરણે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં 14 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ટામેટાના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો છે.
આ બેંકે લોન કરી મોંઘી
HDFC બેંકે તેની લોન મોંઘી કરી દીધી છે. બેંકે લોનના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે… HDFC બેંકનો ચોક્કસ સમયગાળા માટેનો નવો MCLR 8 જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. ઓવરનાઇટ MCLRને 10 બેસિસ પોઈન્ટ વધારીને 8.80 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 5 બેસિસ પોઈન્ટ વધીને 8.80 ટકા થઇ ગયો છે. ત્રણ મહિનાનો MCLR 8.95 ટકાથી વધીને 9 ટકા થયો છે. એક વર્ષનો MCLR 5 બેસિસ પોઈન્ટ વધીને 9.25 ટકા થઇ ગયો છે. હોમ, કાર અને પર્સનલ લોન જેવી મોટાભાગની કન્ઝ્યુમર લોનનો વ્યાજ દર એક વર્ષના MCLRના આધારે જ નક્કી કરવામાં આવે છે, તેથી કન્ઝ્યુમર લોન મોંઘી થઇ જશે.
GST કલેક્શન 15 લાખ કરોડ
નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 9 મહિનામાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન GST કલેક્શન 15 લાખ કરોડ રૂપિયાની નજીક એટલે કે 14.97 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. દર મહિને સરેરાશ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. GST એ વપરાશ આધારિત ટેક્સ સિસ્ટમ છે જે દેશમાં વપરાશમાં થઇ રહેલી વૃદ્ધિને દર્શાવે છે. પરંતુ GSTની અંદર, SGST એટલે કે રાજ્યો દ્વારા વસૂલવામાં આવતા SGST કલેક્શનથી એ ખબર પડે છે કે રાજ્યો વપરાશના મોરચે કેવું પ્રદર્શન કરી રહ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો