વીમા કંપનીઓની કરચોરી પકડાઇ
આવકવેરા વિભાગે વીમા કંપનીઓની લગભગ 30,000 કરોડ રૂપિયાની કરચોરી શોધી કાઢી છે. અનિયમિતતાની આશંકા થઇ ત્યારેથી જ IT વિભાગ આ કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું હતું. ત્યાર બાદ ઘણી વીમા કંપનીઓ તપાસ હેઠળ હતી. આ તપાસ દેશની મોટી વીમા કંપનીઓ અને અનેક વીમા બિઝનેસ માટે કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, વીમા કંપનીઓ અને તેમના વચેટિયાઓએ 1 જુલાઈ, 2017 એટલે કે GST લાગુ થયા પછી આવકને છુપાવીને અને નકલી ખર્ચ બતાવીને લગભગ રૂ. 30,000 કરોડની આવકવેરા ચોરી કરી છે.
આઇટી સેક્ટરની ખરાબ સ્થિતિ
રોજગારી પૂરી પાડવાની દ્રષ્ટિએ આઇટી સેક્ટરને સૌથી અગ્રણી ક્ષેત્રોમાંનું એક ગણવામાં આવે છે. જોકે, આઈટી સેક્ટરની સ્થિતિ અત્યારે સારી નથી ચાલી રહી. છેલ્લા છ મહિનામાં ત્રણ મોટી IT કંપનીઓના હજારો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આ કંપનીઓ છે TCS, Infosys અને HCL ટેક્નોલોજી… છેલ્લા છ મહિનામાં આ ત્રણેય ટોચની IT કંપનીઓના કર્મચારીઓની કુલ સંખ્યામાં લગભગ 25 હજારનો ઘટાડો થયો છે. આના મુખ્ય કારણોમાં કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતી ખર્ચ બચાવવાની પદ્ધતિઓ, ખાલી જગ્યાઓ માટે લોકો ન મળવા અને હાયરિંગમાં ઘટાડાને માનવામાં આવી રહ્યું છે.
દેશમાં રોજગારી ઘટી
આઈટી સેક્ટરમાં મંદીના કારણે દેશમાં રોજગારીની સંખ્યા ઘટી રહી છે. દેશના 12 રાજ્યોમાં પગારદાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. NSO દ્વારા જાહેર કરાયેલા લેબર ફોર્સ સર્વે મુજબ જુલાઈ 2022 થી જૂન 2023ની વચ્ચે નિયમિત નોકરીઓમાં કામદારોના પ્રમાણમાં ઘટાડો થયો છે..સૌથી મોટો ઘટાડો આસામમાં નોંધાયો છે. આ સિવાય દિલ્હી, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન EPFO હેઠળ આવરી લેવામાં આવેલી નોકરીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નોકરીઓમાં 14.5 ટકાનો ઘટાડો થયો છે.
Paytm પેમેન્ટ્સ બેન્કને દંડ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ પર તેના ગ્રાહકોને KYC નિયમો સહિતની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ રૂ. 5.39 કરોડનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકની તપાસમાં જણાયું કે પેમેન્ટ્સ બેંકોને લાઇસન્સ આપવા માટે આરબીઆઇની ગાઇડલાઇન્સ, બેંકોમાં સાયબર સેફ્ટી ફ્રેમવર્ક અને યુપીઆઇ ઇકોસિસ્ટમ સહિત મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન્સને સુરક્ષિત કરવા સંબંધિત કેટલીક જોગવાઈઓનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં કેટલીક ખામીઓ હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો