Money9: એપ્રિલ મહિનાના પહેલા દિવસે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. IOC તરફથી મળેલી માહિતી મુજબ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં કિંમત હવે 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1795 રૂપિયા હતી. જ્યારે કોલકાતામાં હવે સિલિન્ડર 32 રૂપિયા ઘટીને 1879 રૂપિયામાં ઉપલબ્ધ છે. પહેલા તેની કિંમત 1911 રૂપિયા હતી. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1749 રૂપિયાથી 31.50 રૂપિયા ઘટીને 1717.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં, સિલિન્ડર 1930 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો કે, 14.2 KG ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. તે દિલ્હીમાં 803, કોલકાતામાં 829, મુંબઈમાં 802.50 અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
હવાઈ મુસાફરી કરતા લોકોને આગામી દિવસોમાં રાહત મળી શકે છે. કારણ કે ફરી એકવાર એવિએશન ફ્યુઅલની કિંમતમાં ઘટાડો થયો છે. આ ઘટાડો આજથી એટલે કે 1 એપ્રિલથી અમલમાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજથી દિલ્હીમાં ATF સસ્તું થઇને 1 લાખ 893.63 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયું છે. અગાઉ માર્ચમાં દિલ્હીમાં ATFની કિંમત વધીને 1,01,396.54 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ હતી. એટલે કે આજથી દિલ્હીમાં ATFની કિંમતમાં 502.91 રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો થયો છે. આજના ઘટાડા બાદ મુંબઈમાં ATFના ભાવમાં 342.81 રૂપિયા, કોલકાતામાં 398.22 રૂપિયા અને ચેન્નાઈમાં 425.27 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો થયો છે.
SBIએ કેટલાક ડેબિટ કાર્ડ્સ સાથે સંકળાયેલી એન્યુઅલ મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ વધારા બાદ ક્લાસિક-સિલ્વર-ગ્લોબલ-કોન્ટેક્લેસ ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 125 રૂપિયાને બદલે 200 રૂપિયા થઈ જશે. આમાં GST અલગથી ઉમેરવામાં આવશે. આજથી, એટલે કે 1 એપ્રિલથી, બેંક તેના ક્રેડિટ કાર્ડની એક ખાસ કેટેગરી જેવી કે AURUM, Elite, Elite Advantage, Pulse, SimplyCLICK માટે રેન્ટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ નહીં આપે. જેની અસર SBIના તમામ ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર થશે.
આજે શેરબજાર માટે નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત થઈ છે અને બજાર ખુલ્યા બાદ તરત જ સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ લેવલને વટાવીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. NSE નો નિફ્ટી 22,529.95 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ અને BSE નો સેન્સેક્સ 74,254.62 ની નવી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આ બંને સૂચકાંકો હવે તેમના સંબંધિત ઓલ-ટાઇમ હાઈ ઝોનની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે.
જીએસટી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિ અંગે દેશભરમાંથી ફરિયાદો આવતાં જીએસટી ઈન્ટેલિજન્સ અધિકારીઓ એટલે કે ડીજીજીઆઈ માટે 6 પાનાની એસઓપી જાહેર કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસીએ બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ અધિકારીઓએ તપાસની વિગતો અને પૂછપરછના નિવેદનો ચાર વર્કિંગ દિવસમાં ઓનલાઈન મૂકવાના રહેશે. આ ઉપરાંત અધિકારીઓના આચરણ માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા છે. SOP માં કરદાતાની તપાસ અને પૂછપરછની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ તપાસ અને પૂછપરછની જે વિગતો ઓનલાઈન અપલોડ કરશે તેની ચકાસણીઓ DGGIના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. SOP માં એ સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે કે, તપાસ અધિકારીઓ જે વિગતો ઓનલાઈન અપલોડ કરશે તે વિગતો ટૂકડે ટૂકડે ન હોવી જોઈએ. સ્પષ્ટ વિગતો અપલોડ કરવાની રહેશે. અને આ અપલોડ કામગીરીઓ નિયત સમય મર્યાદામાં થયેલી હોવી જોઈએ.
સાયબર ફ્રોડની સંખ્યા ઝડપથી વધી રહી છે. માર્કેટમાં ઇન્સ્ટન્ટ લોન આપતી ઘણી બધી એપ્સ છે. વધતી જતી સાયબર છેતરપિંડીઓને અંકુશમાં લેવાના ભાગરૂપે, RBI ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી એટલે કે DIGITAની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ એજન્સીનું કામ, ગણતરીની મિનિટોમાં લોન આપતી એપ્સ પર પ્રતિબંધ લગાવવાનું રહેશે. એજન્સી ડિજિટલ ધિરાણ એપ્લિકેશન્સની ચકાસણીને સક્ષમ કરશે અને વેરિફાઇડ એપ્લિકેશન્સનું પબ્લિક રજિસ્ટર બનાવશે. રિપોર્ટ અનુસાર, જે એપ્સમાં DIGITAની વેરિફાઈડ સિગ્નેચર નથી તેને લોકોના ઉપયોગ માટેની પરવાનગી નહીં આપવામાં આવે. આરબીઆઈની આ એજન્સી ડિજિટલ સેક્ટરમાં નાણાકીય ગુનાઓ સામેની લડાઈમાં એક આવશ્યક ચેક પોઈન્ટ તરીકે કામ કરશે.
મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રુપ આગામી 3 વર્ષમાં રિટેલ અને ન્યૂ એનર્જી સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરશે. વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન શાક્સે રિલાયન્સ જૂથ પર કરેલા ડીપ ડ્રાઇવ અહેવાલમાં એવી માહિતી બહાર આવી છે કે રિલાયન્સ ગ્રુપ હાઇડ્રોકાર્બન અને ટેલિકોમ જેવા લાંબા અને ભારે મૂડીરોકાણવાળા ચક્રમાંથી બહાર નીકળી રહ્યું છે. રિલાયન્સે નાણાકીય વર્ષ 2012-13થી 2017-18 વચ્ચે 2.50 લાખ કરોડ રૂપિયા ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ પર ખર્ચ કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો