Money9 Gujarati:
ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ગ્રાહકોમાં અનેરું સ્થાન હાંસલ કર્યું છે. ભારતનાં રસ્તાઓ પર દોડતી દર બીજી ગાડી મારુતિની હોય છે. વેચાણના મોરચે પણ મારુતિએ અઢળક સિદ્ધિઓ હાંસલ કરી છે. મારુતિને ભારતમાં કાર ક્રાંતિની પ્રણેતા કહે છે અને હવે કંપનીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. મારુતિએ તેની પ્રખ્યાત હેચબેક કાર WagonRના 30 લાખથી પણ વધુ યુનિટનું વેચાણ નોંધાવ્યું છે. 1999માં લૉન્ચ થયેલી વેગનઆર છેલ્લાં 24 વર્ષથી ભારતમાં વેચાઈ રહી છે અને માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તે બેસ્ટ-સેલિંગ કાર બની રહી છે. તેણે સતત બે વર્ષથી બેસ્ટ સેલિંગ કારનું બિરુદ મેળવ્યું છે.
સતત બીજા વર્ષે બની બેસ્ટ સેલિંગ કાર
એપ્રિલમાં મારુતિએ વેગનઆરના 20,879 યુનિટ વેચ્યા હતા. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં વેગનઆરના 2,12,340 યુનિટ વેચાઈ ગયા હતા, અને મારુતિ સુઝુકી વેગનઆર સતત બીજા વર્ષે ભારતની બેસ્ટ-સેલિંગ કાર બની ગઈ હતી. કંપની વેગનઆરના બે પેટ્રોલ એન્જિન ધરાવતા વેરિયન્ટનું વેચાણ કરે છે. એક વિકલ્પમાં 1.0 લિટરનું એન્જિન છે જ્યારે બીજા વિકલ્પમાં 1.2 લિટરનું એન્જિન છે. કંપની તેનું સીએનજી વર્ઝન પણ વેચે છે. વેગનઆરની કિંમત 5.54 લાખ રૂપિયાથી લઈને 7.42 લાખ રૂપિયાની વચ્ચે છે.
24 વર્ષની સફરઃ
મારુતિએ 1999માં 18 ડિસેમ્બરે વેગનઆરનું ફર્સ્ટ જનરેશન મોડેલ લૉન્ચ કર્યું હતું. શરૂઆતના વર્ષોમાં તેનું વેચાણ ધીમી ગતિએ વધ્યું હતું અને 5 લાખ યુનિટનો આંકડો પાર થતાં-થતાં નવ વર્ષ લાગ્યા હતા. 2008માં વેગનઆરના 5 લાખ યુનિટનું વેચાણ પૂરું થયું હતું. ત્યારબાદ વધુ 5 લાખ યુનિટનું વેચાણ માત્ર 4 વર્ષમાં થઈ ગયું અને 2012માં મારુતિએ વેગનઆરના કુલ 10 લાખ યુનિટનો આંકડો પાર કરી લીધો હતો. ત્યારબાદ 2015માં એટલે કે માત્ર 3 વર્ષમાં 15 લાખ યુનિટનો આંકડો પાર થઈ ગયો હતો અને 2017માં એટલે કે, માત્ર 2 વર્ષમાં 20 લાખ યુનિટ વેચાયા હતા. કંપનીએ 2021માં 25 લાખ યુનિટનો આંકડો પાર કર્યો હતો અને હવે, 2023માં 30 લાખથી વધુ વેગનઆર વેચાઈ ચૂકી છે.
વેગનઆરની ખાસિયતઃ
મારુતિ સુઝુકી વેગનઆર તેની ખાસ પ્રકારની ડિઝાઈન માટે જાણીતી છે. લૉન્ચ થઈ ત્યારે રેલવેના ડબ્બા તરીકે તેની ભારે ટીકા થઈ હતી, પરંતુ બાદમાં આ ડબ્બા જેવી ડિઝાઈને જ લોકોના મન મોહી લીધા હતા. ઓટોમોબાઈલ એક્સપર્ટ આ કારની ડિઝાઈનને બોક્સી ડિઝાઈન કહે છે. તેને ટૉલ બોય કેટેગરીમાં મૂકવામાં આવે છે. મારુતિએ હ્યુન્ડાઈની સેન્ટ્રો સામે વેગનઆરને લૉન્ચ કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો