Money9 Gujarati:
ગુજરાતનાં ઓટોમોબાઈલ માર્કેટમાં વધુ રોકાણ આવવાની શક્યતા છે. બ્રિટિશ કાર કંપની MG મોટર ગુજરાતમાં વધુ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે. અત્યારે તેનો હાલોલ-વડોદરાનો પ્લાન્ટ વાર્ષિક 1,20,000 કારનું ઉત્પાદન કરે છે અને કંપની બીજો પ્લાન્ટ નાખીને આ ક્ષમતા 3,00,000 કરવા માંગે છે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સનું ચલણ વધી રહ્યું છે અને તેને ટેકો આપવા માટે MG મોટર લોકલ લેવલે EV કમ્પોનન્ટ્સનું મેન્યુફેક્ચરિંગ મજબૂત બનાવશે તેમજ ગુજરાતમાં બેટરી એસેમ્બલી યુનિટ સ્થાપશે. MG મોટર 2028 સુધીમાં રૂ.5,000 કરોડથી વધુ રકમનું રોકાણ કરશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે 20,000 લોકોને રોજગારી પૂરી પાડવા માંગે છે.
ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરશે
કંપનીએ ભારતમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Comet EV પણ લૉન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત રૂ.7.98 લાખથી શરૂ થાય છે. હવે, MG મોટર 4થી 5 નવી કાર લૉન્ચ કરશે અને આ તમામ કાર ઈલેક્ટ્રિક હશે. કંપનીનો ઈરાદો વર્ષ 2028 સુધીમાં કુલ વેચાણનો 65થી 75 ટકા હિસ્સો ઈલેક્ટ્રિક ગાડીઓ વેચીને મેળવવાનો છે. આ યોજના સાકાર કરવા માટે અને ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધારવા માટે કંપની EV કમ્પોનન્ટ્સનું લોકલ મેન્યુફેક્ચરિંગ વધુ મજબૂત કરશે. MG મોટર આ કવાયતના ભાગરૂપે, ગુજરાતમાં બેટરી એસેમ્બલી યુનિટ પણ સ્થાપશે. MG મોટરે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે હાઈડ્રોજન ફ્યુઅલ0સેલ ટેકનોલોજી ક્ષેત્રે સક્રિય પ્રયાસ હાથ ધરવાની પણ યોજના બનાવી છે.
IPOની યોજનાઃ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, MG મોટર ભારતમાં તેના બિઝનેસ ઓપરેશન્સનો વ્યાપ વધારવા માંગે છે અને ઈલેક્ટ્રિક વ્હિકલ્સની વધતી માંગનો ફાયદો ઉઠાવવા માંગે છે. તેના માટે કંપની તેનો બહુમતિ હિસ્સો (majority shareholding) વેચવાની અને 2028 સુધીમાં IPO લાવવાની પણ યોજના ધરાવે છે. કંપની તેના માટે પ્રાઈવેટ ઈક્વિટી મારફતે મૂડીભંડોળ એકત્ર કરવાનો તેમજ વ્યૂહાત્મક રોકાણકારોને (strategic investors) હિસ્સો વેચવાનો વિકલ્પ વિચારી રહી છે.
અન્ય ખબરઃ જીરુના ભાવમાં કેમ છે તેજી? સટોડિયાનો ખેલ કે વાસ્તવિક તેજી?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો