MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓએ ભાવમાં કર્યો વધારો ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર મોંઘા થઈ ગયા છે. સબસિડીના નવા નિયમ 1 જૂનથી લાગુ થયા છે. સરકાર તરફથી મળતી સબસિડી ઘટવાને કારણે ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક બનાવતી કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ પર કબજો ધરાવતી ઓલા ઈલેક્ટ્રિકે તેના S1 રેન્જની કિંમતમાં 15 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. હવે ઓલા S1 રૂ.1 લાખ 29 હજાર 999માં જ્યારે S1 પ્રો રૂ.1 લાખ 39 હજાર 999માં મળશે. હરીફ કંપની એથર એનર્જીએ પણ પહેલી જૂનથી 450X સ્કૂટરની કિંમતમાં 8 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. અમદાવાદની ઈવી સ્ટાર્ટઅપ Matter Energy તેના ઈલેક્ટ્રિક બાઈકની કિંમતમાં 6 જૂનથી રૂ.30 હજારનો વધારો કરશે. ટીવીએસ મોટરે 17 હજાર રૂપિયાથી 22 હજાર રૂપિયાની રેન્જમાં ભાવવધારો કર્યો છે જ્યારે એમ્પીયર ઈવીએ 21 હજારથી 39 હજાર રૂપિયાની વચ્ચે ભાવ વધારી દીધા છે.
મે મહિનામાં GST કલેક્શનમાં થયો 12 ટકા વધારો સરકારે GST કલેક્શનના આંકડા જાહેર કર્યાં છે. મે મહિનામાં સરકારને GST પેટે 1 લાખ 57 હજાર 90 કરોડ રૂપિયા મળ્યાં છે. મે મહિનાનું GST કલેક્શન 2022ના મે મહિનાની તુલનાએ 12 ટકા વધારે છે. સરકારને સતત 14મા મહિને 1.4 લાખ કરોડ રૂપિયાથી વધારે GST આવક થઈ છે. દેશમાં GSTની શરૂઆત થઈ ત્યારથી પાંચમી વખત GST કલેક્શન 1.5 લાખ કરોડને પાર થયું છે. એપ્રિલ મહિનામાં સરકારે 1 લાખ 87 હજાર કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાવ્યું હતું.
મગ, અડદ અને તુવેરના ભાવમાં થઈ રહ્યો છે વધારો ભારતમાં સૌથી વધુ ખવાતા ત્રણ કઠોળ – મગ, અડદ અને તુવેરના ભાવ વધવા લાગ્યા છે. સપ્લાય ઘટવાથી આ ત્રણેય કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 2022ના મે મહિનાના અંતે 20 કિલો મગની કિંમત હજારથી તેરસો રૂપિયાની વચ્ચે હતી, પરંતુ ચાલુ વર્ષના મે મહિનાના અંતે સરેરાશ ભાવ પંદરસોથી સત્તરસો રૂપિયાની વચ્ચે બોલાયો છે. અડદની કિંમત ગયા વર્ષે અગિયારસોથી બારસો પચાસ રૂપિયાની વચ્ચે હતી, જે આ વખતે 1,400થી 1,600 રૂપિયાની વચ્ચે પહોંચી છે જ્યારે તુવેરની કિંમત 900થી 1,100 રૂપિયાથી વધીને આ વખતે 1,400થી 1,700ની રેન્જમાં પહોંચી ગઈ છે. માંગને પૂરી કરવા માટે ભારતે કઠોળની આયાત કરવી પડે છે. ગઈ ખરીફ સીઝનમાં કઠોળનું વાવેતર પણ ઘટ્યું હતું. આયાત કરીને જે કઠોળ ભારતમાં આવે છે તેનો સપ્લાય ઓછો છે, એટલે ભાવમાં વધારો થઈ રહ્યો છે. આમ, જીરુંના ભાવમાં લાલચોળ તેજી બાદ હવે કઠોળના ભાવમાં પણ તેજી શરૂ થઈ છે.
ઈન્ફોસિસનો શેર 2 જૂને થશે એક્સ-ડિવિડન્ડ જો તમારી પાસે ઈન્ફોસિસના શેર હશે તો તમારા ખાતામાં 3 જુલાઈએ પૈસા જમા થઈ શકે છે. ઈન્ફોસિસનો શેર 2 જૂન, શુક્રવારે એક્સ-ડિવિડન્ડ થવાનો છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ સાડા સત્તર રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું અને 2 જૂનને રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરતી વખતે કંપનીના બોર્ડે 28 જૂને વાર્ષિક સાધારણ બેઠક યોજવાની પણ જાહેરાત કરી હતી. કંપની દર વર્ષે સારું ડિવિડન્ડ આપતી રહે છે. ગયા નાણાકીય વર્ષ માટે ઈન્ફોસિસે શેર દીઠ કુલ 34 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. પહેલી જૂને ઈન્ફોસિસનો શેર 0.17 ટકા વધીને 1,320.55એ બંધ રહ્યો હતો.
19-kg LPG સિલિન્ડરની કિંમતમાં થયો Rs 83.5નો ઘટાડો હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી સસ્તી થઈ શકે છે, કારણ કે, કોમર્શિયલ ગેસનો બાટલો ફરી સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના રાંધણ ગેસના બાટલાની કિંમતમાં 83 રૂપિયા 50 પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો પહેલી જૂનથી લાગુ થયો છે. હવે 19 કિલોનો LPG સિલિન્ડર દિલ્હીમાં રૂ.1,773માં મળશે. અગાઉ મે મહિનામાં પણ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો થયો હતો. આમ બે મહિનામાં બે વખત કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે, પરંતુ ઘરેલુ સિલિન્ડરની કિંમત યથાવત્ છે. ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. ગેસની કિંમત ઘટવાથી હોટેલ અને રેસ્ટરોન્ટવાળાને કિંમત નીચે રાખવામાં મદદ મળશે.
જના SFBએ FDના વ્યાજ દર વધારીને 9% કર્યાં જના સ્મૉલ ફાયનાન્સ બેન્કે તેની ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. બેન્કે 2 કરોડ રૂપિયા સુધીની FD માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. ખાનગી સેક્ટરની જના સ્મોલ ફાયનાન્સ બેન્ક 501 દિવસની FD પર સાડા આઠ ટકા વ્યાજ દર ઑફર કરી રહી છે. જો તમે આ બેન્કમાં પાંચ વર્ષની FD કરાવશો તો, બેન્ક તમને 6 ટકા ઈન્ટરેસ્ટ રેટ ચૂકવશે. સૌથી ઓછી 7 દિવસની FD પર 3.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. બેન્ક સીનિયર સીટિઝનને અડધો ટકો વધુ વ્યાજ ઓફર કરે છે.
ફ્લાઈટની ટિકિટ સસ્તી થવાની શક્યતા ફ્લાઈટ ટિકિટ સસ્તી થવાની શક્યતા છે, કારણ કે, વિમાની ઈંધણ એટલે કે, જેટ ફ્યુઅલની કિંમત છેલ્લાં 3 મહિનામાં 23 હજાર રૂપિયાથી પણ વધુ ઘટી છે. દેશનાં પાટનગરમાં એક કિલોલિટર જેટ ફ્યુઅલની કિંમત ઘટીને 90 હજાર રૂપિયાની નીચે પહોંચી ગઈ છે. ફ્યુઅલ કૉસ્ટ ઘટવાથી એરલાઈન્સને મોટી રાહત મળશે અને તેનો લાભ ગ્રાહકોને મળી શકે છે. એરલાઈન્સ ફ્લાઈટની ટિકિટમાં ઘટાડો કરી શકે છે. જોકે, હજુ સુધી કોઈ એરલાઈન્સે ટિકિટના ભાવ ઘટાડ્યા નથી. એરલાઈન્સને મળતાં ફ્યુઅલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ સામાન્ય લોકોને મળતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લાં 14 મહિનાથી કોઈ ઘટાડો થયો નથી. સામાન્ય નાગરિકે એક લિટર પેટ્રોલ માટે 96.72 રૂપિયા જ્યારે ડીઝલ માટે 89.62 રૂપિયા ચૂકવવા પડે છે.
ICICI બેન્ક અને PNBના લોનધારકોના હપ્તા વધી જશે ICICI બેન્કમાંથી લોન લેનારા લોકોને આ ખબર નિરાશ કરશે. ખાનગી સેક્ટરની ICICI બેન્કે કન્ઝ્યુમર લોનના ઈન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે. ધારો કે, તમારી લોન ICICI બેન્કમાં ચાલતી હશે તો હવે તમારે વધારે હપ્તા ચૂકવવા પડશે. ICICI બેન્કે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિતની કન્ઝ્યુમર લોનના વ્યાજ દર વધાર્યાં છે. ICICI બેન્કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે, MCLR વધારીને 8.85 ટકા કર્યો છે. વિવિધ પ્રકારની લોન બેન્કોના એક વર્ષીય MCLR સાથે જોડાયેલી હોય છે, એટલે જો MCLR વધે એટલે તેની સાથે જોડાયેલી લોન પણ મોંઘી થાય છે. જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા, પંજાબ નેશનલ બેન્કે પણ ધિરાણ દરમાં વધારો કર્યો છે. પંજાબ નેશનલ બેન્કે વન-યર MCLR વધારીને 8.60 ટકા કર્યો છે.
ઓટો કંપનીઓના વેચાણના આંકડા થયા જાહેર મે મહિનાના વાહનોના વેચાણના આંકડા આવી ગયા છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિએ મે મહિનામાં વેચાણમાં 10 ટકા ઉછાળો નોંધાવ્યો છે. કંપનીએ 1 લાખ 78 હજાર 83 ગાડીઓ વેચી છે. એસયુવીની માંગ વધવાથી મારુતિએ વેચાણાં 10 ટકાથી વધુ વૃદ્ધિદર હાંસલ કર્યો છે. હ્યુન્ડાઈએ મે મહિનામાં 59,601 કાર વેચીને 16.26 ટકા વધારો નોંધાવ્યો છે. ટાટા મોટર્સનું ગાડીઓનું વેચાણ 6 ટકા વધ્યું છે પરંતુ કોમર્શિયલ વાહનોનું વેચાણ 12 ટકા ઘટ્યું છે. ટાટાએ ગયા મહિને 45,894 કારનું વેચાણ કર્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો