સોનું અને સેન્સેક્સ, આ બંનેમાંથી કોણે માર્યું મેદાન? 2023માં કોણે કર્યા માલામાલ? જો ડિસેમ્બરમાં સેન્સેક્સ 6 ટકાથી વધુ ઉછળ્યો ના હોત તો, સોનું બાજી મારી ગયું હોત. આખાયે વર્ષ દરમિયાન સોનામાં લાલચોળ તેજી રહી પરંતુ ડિસેમ્બરમાં સેન્સેક્સ 4,118 પોઈન્ટ્સ વધી ગયો એટલે, આગળ નીકળી ગયો. 2023માં રિટર્નની રેસમાં સેન્સેક્સે 16.25 ટકા સ્કોર કર્યો છે. સોનામાં 13.55 ટકા રિટર્ન મળ્યું છે. ડિસેમ્બરમાં સેન્સેક્સે 71,106.96ની લાઈફટાઈમ હાઈ બનાવી હતી જ્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામ માત્ર અડધો ટકાનો વધારો થયો હતો. MCX પર ગોલ્ડ પણ ડિસેમ્બરમાં 64,063ની લાઈફટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. સામાન્ય રીતે, સેન્સેક્સ વધે તો સોનું ઘટે છે અને સોનું વધે તો સેન્સેક્સ ઘટે છે. પરંતુ 2023માં સોનું અને સેન્સેક્સ બંને સડસડાટ વધ્યા હતા.
ઓક્ટોબરમાં નવરાત્રિ અને નવેમ્બરમાં દિવાળીના તહેવારોમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કચકચાવીને શોપિંગ થયું છે. RBIના આંકડા દર્શાવે છે કે, નવેમ્બરના અંતે ક્રેડિટ કાર્ડની સંખ્યા 10 કરોડની નજીક પહોંચી ગઈ હતી. ક્રેડિટ કાર્ડની સંખ્યા 19 ટકા વધીને 9 કરોડ 60 લાખને પાર થઈ છે. જોકે, ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ ઘટ્યો છે. નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા 1 લાખ 61 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઓક્ટોબરમાં લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 1 લાખ 78 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. નવેમ્બરમાં કાર્ડ દ્વારા થતો સરેરાશ ખર્ચ વધીને 16,774 રૂપિયા થયો છે. નવેમ્બરમાં ઈ-કોમર્સ પેમેન્ટ્સ માટે લોકોએ 1 લાખ 1 હજાર 629 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જ્યારે પોઈન્ટ ઑફ સેલ એટલે કે, PoS મારફતે 59 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
ગુજરાતના હવાઈમથકો પર ભીડ વધી છે. દિવાળીના તહેવારોમાં ગુજરાતના એરપોર્ટ્સ પર રેકોર્ડ બ્રેક પ્રવાસી નોંધાયા છે. નવેમ્બરમાં અમદાવાદના એરપોર્ટ પર 10 લાખથી પણ વધારે મુસાફરોની અવરજવર નોંધાઈ છે. અમદાવાદ એરપોર્ટમાં નવેમ્બરમાં કુલ 1,146 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને 6,290 ડોમેસ્ટિક ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી. દિવાળી અને વર્લ્ડ કપ હોવાથી અમદાવાદ એરપોર્ટ પર ધમધમાટ જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી પાસે છે અને પ્રવાસીઓની સંખ્યા વધવાથી કંપનીની આવક પણ વધી છે. સુરત એરપોર્ટ પરથી 1 લાખ 19 હજાર જેટલા પ્રવાસીએ ફ્લાઈટ પકડી હતી જ્યારે વડોદરા એરપોર્ટ પરથી 1 લાખ 7 હજાર 643 મુસાફરોએ અવરજવર કરી હતી. રાજકોટ એરપોર્ટ પરથી 86 હજાર 667 પ્રવાસીએ ફ્લાઈટ્સ પકડી હતી. જામનગર, કંડલા, ભાવનગર, ભૂજ અને દીવ એરપોર્ટ પર 10 હજારથી ઓછા પ્રવાસીઓ નોંધાયા હતા. ઓક્ટોબરમાં ગુજરાતના વિવિધ એરપોર્ટ પરથી 11 લાખ 73 હજાર 875 પ્રવાસીએ ફ્લાઈટ્સ પકડી હતી, જેની સામે નવેમ્બરમાં આ સંખ્યા 15 ટકા વધી ગઈ હતી. નવેમ્બરમાં ગુજરાતભરનાં એરપોર્ટ પરથી કુલ 13 લાખ 60 હજાર 594 મુસાફરોએ અવરજવર કરી હતી.
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અંગે મહત્ત્વની જાહેરાત થઈ છે. સરકારે આકારણી વર્ષ 2024-25 માટે ITR ફાઈલ કરવાના ફોર્મ નોટિફાઈ કર્યાં છે. તમે નાણાકીય વર્ષ 2023-24માં જેટલી કમાણી કરી હશે તે મુજબ તમારે આ ફોર્મ પસંદ કરવાના રહેશે. અત્યાર સુધી તો સરકાર ફેબ્રુઆરી કે માર્ચમાં ફોર્મ બહાર પાડતી હતી પરંતુ આ વખતે ડિસેમ્બરના અંતે જ ફોર્મ બહાર પાડી દીધા છે. જેમની વાર્ષિક આવક 50 લાખ સુધીની હશે અને આવકનો સ્રોત પગાર હશે તો તેમણે ITR ફોર્મ-1 એટલે કે સહજ ફૉર્મ ભરવું પડશે. જેમની આવકનો સોર્સ બિઝનેસ કે વેપારધંધો હશે તેમણે ITR ફોર્મ-4 એટલે કે સુગમ ફોર્મ ભરવું પડશે. સરકારે બંને ફોર્મમાં કેટલાક ફેરફાર પણ કર્યા છે.
2023માં મ્યુચ્યુઅલ ફંડ્સમાં થતું રોકાણ 125 ટકા વધી ગયું છે. જાન્યુઆરી 2023માં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોએ 11,373 કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. તેની સામે નવેમ્બરમાં 25,616 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2022ના નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં 13,264 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું, એટલે વાર્ષિક ધોરણે રોકાણ 93 ટકા વધ્યું છે. જાન્યુઆરી 2023માં મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એસેટનું કદ 40 લાખ કરોડ રૂપિયાની આસપાસ હતું, જે 2023ના અંતે 50 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. રોકાણકારોનો ઉત્સાહ જોતા તો લાગે છે કે, થોડાક જ વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ્સની AUM 100 લાખ કરોડને પાર થઈ જશે. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં થયેલા રોકાણનો આંકડો પણ સાડા નવ લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે અને SIP એકાઉન્ટ્સની સંખ્યા નવેમ્બરમાં 7.44 કરોડે પહોંચી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો