Money9 Gujarati:
અમદાવાદ સ્થિત નિરમા ગ્રૂપે મુંબઈની ડ્રગ કંપની ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસને ખરીદવામાં રસ દર્શાવ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ ગ્લેનમાર્ક લાઈફને ખરીદવાની રેસમાં અમેરિકાની અગ્રણી પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ પણ સામેલ છે.
ધારો કે, નિરમા ગ્રૂપને આ સોદામાં સફળતા મળશે તો, ગ્રૂપના હેલ્થકેર સેગમેન્ટને મોટો ફાયદો થશે. નિરમા ગ્રૂપ કેમિકલ્સથી લઈને સિમેન્ટ કારોબારમાં કામકાજ કરે છે. જુલાઈ 2016માં નિરમા ગ્રૂપે રૂ.9,400 કરોડ ચૂકવીને લાફાર્જ ઈન્ડિયાનો સિમેન્ટ બિઝનેસ ખરીદ્યો હતો અને સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ નિરમાએ ફેબ્રુઆરી 2020માં ઈમામી સિમેન્ટની એસેટ્સ રૂ.5,500 કરોડમાં ખરીદી હતી. આમ, સિમેન્ટ કારોબારમાં સફળતાપૂર્વક પ્રવેશ્યા બાદ હવે નિરમા ગ્રૂપ હેલ્થકેર કારોબારમાં પગપેસારો કરવા માંગે છે.
વર્ષ 1969માં કરનસભાઈ પટેલ દ્વારા સ્થાપવામાં આવેલા નિરમા ગ્રૂપે એપ્રિલ-2023માં રૂ.350 કરોડમાં બેંગાલુરુની કંપની Stericon Pharmaને પણ હસ્તગત કરી હતી. આ કંપની આંખના ટીપા અને કોન્ટેક્સ લેન્સ બનાવે છે. કરનસભાઈ પટેલે નિરમાની શરૂઆત એક ડિટરજન્ટ અને સોપ કંપની તરીકે કરી હતી, પરંતુ આજે નિરમા ગ્રૂપ કેમિકલ્સ અને સિમેન્ટ સહિતના કારોબારમાં હિત ધરાવે છે. જો ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસને ખરીદવામાં સફળતા મળશે તો, નિરમા ગ્રૂપને હેલ્થકેર સેગમેન્ટમાં મહત્ત્વાકાંક્ષી યોજના પાર પાડવામાં મદદ મળશે. નિરમા ગ્રૂપ અત્યારે નિરલાઈફ હેલ્થકેર બ્રાન્ડ હેઠળ મેડિકલ ડિવાઈસનું વેચાણ કરે છે.
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસનો હિસ્સો વેચીને ગ્લેનમાર્ક પોતાનું દેવું ઘટાડવા માંગે છે. માર્ચ-2023 સુધીના આંકડા અનુસાર, ગ્લેનમાર્કના ચોપડે રૂ.2,904 કરોડનું ચોખ્ખું ઋણ બોલે છે જ્યારે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસમાં તેનો હિસ્સો 82.8 ટકા છે. 24 મે-બુધવારના રોજ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસનો શેર 3.88 ટકા વધીને રૂ.539.25એ બંધ રહ્યો હતો, જે મુજબ તેનું માર્કેટ વેલ્યુએશન રૂ.6,590 કરોડ થાય છે. છેલ્લાં 1 મહિનામાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસનો શેર 15 ટકા વધ્યો છે અને હવે 52-વીકની હાઈ સપાટીની નજીક પહોંચી ગયો છે. ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસને ખરીદવાની રેસમાં અમેરિકાના પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ KKR, Blackstone અને BPEA-EQTનો પણ સમાવેશ થાય છે. આ તમામ સંભવિત ખરીદદારોએ હિસાબોની ચકાસણી સહિતની પ્રક્રિયા પૂરી કરી દીધી છે અને ટૂંક સમયમાં ઓફર રજૂ કરે તેવી ધારણા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો