Money9 Gujarati:
Rs 2,000ની નોટ વટાવવા માટે લોકો અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. કોઈ પેટ્રોલ પમ્પે જઈને તો કોઈ જ્વેલરી ખરીદીને 2,000ની નોટનો નિકાલ કરી રહ્યાં છે. જે લોકો રૂ.2,000ની નોટ બેન્કમાં જમા કરાવવા કે એક્સચેન્જ કરાવવા નથી માંગતા તેમણે અવનવા રસ્તા શોધી કાઢ્યા છે. જેમને ટેક્સ ડિપાર્ટમેન્ટની બીક લાગે છે, તેમણે રૂ.2,000ની નોટનો નિકાલ કરવા માટે વિવિધ વિકલ્પો શોધી કાઢ્યા છે. અમુક લોકોએ તો મંદિરમાં દાન કરવા માટે 2,000ની નોટનો ઉપયોગ કર્યો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ઓનલાઈન શોપિંગ કરનારા લોકો કેશ-ઓન ડિલિવરી વિકલ્પ પર ટિક કરીને 2,000ની નોટ કાઢીને ઊભા રહી જાય છે.
કેટલાક વેપારીઓએ 2,000ની નોટ આપો અને 2,100 રૂપિયાનો સામાન લઈ જાવ, તેવી ઓફર પણ જાહેર કરી છે. કેટલાક ધનિક લોકોએ 2,000ની નોટ આપીને લક્ઝરી ચીજવસ્તુની ખરીદી શરૂ કરી છે. લક્ઝરી આઈટમ્સ વેચતી કંપનીઓના સેલ્સમેન કહે છે કે, પહેલા તો કાર્ડ દ્વારા પેમેન્ટ થતું હતું, પરંતુ ઘણા ગ્રાહકોએ છેલ્લાં ત્રણેક દિવસથી કેશમાં 2,000ની નોટ આપીને ખરીદી શરૂ કરી છે.
લક્ઝરી ચીજવસ્તુઓઃ સેન્ટ્રલ મુંબઈના એક મોલના રાડો કંપનીના સ્ટોરમાં પહેલા દરરોજ એકથી 2 વોચ વેચાતી હતી, પરંતુ RBIની જાહેરાત થઈ ત્યારથી દરરોજ 3થી 4 વોચ વેચાઈ રહી છે. લોકો પહેલાં કાર્ડ કે ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ અપનાવીને શોપિંગ કરતા હતા, પરંતુ હવે 2,000ની નોટ રોકડામાં આપીને ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યાં છે. મોંઘીદાટ સિગાર ખરીદવા માટે પણ વીકેન્ડમાં લાઈનો લાગી હતી. ધી ઈન્ડિયન સિગાર ક્લબને ઘણા ગ્રાહકે એક જ સવાલ પૂછ્યો હતો કે, તમે રૂ.2,000ની નોટ સ્વીકારો છો? ગોલ્ડની પરત ચઢાવેલી ટ્રફલ્સ અને ફજની ખરીદી વધી છે. દિલ્હીના એક સ્ટોરના માલિકે વીકેન્ડમાં રૂ.4 લાખની ટ્રફલ્સનું વેચાણ 2,000ની નોટ લઈને કર્યું હોવાનું જાણવા મળે છે, નહીંતર તે વીકેન્ડમાં માત્ર રૂ.1 લાખનું વેચાણ કરતા હતા. ગુરુગ્રામની એક ફાઈવ-સ્ટાર રેસ્ટોરન્ટના માલિક જણાવે છે કે, અમારે ત્યાં આવતા કસ્ટમર કાર્ડમાં પેમેન્ટ કરે છે, પરંતુ હવે 2,000ની નોટ કાઢીને આપી રહ્યાં છે. અમે આ નોટ સ્વીકારીને બેન્કમાં જમા કરાવી દઈએ છીએ. લક્ઝરી ચીજવસ્તુઓ અને કપડાંનું વેચાણ કરતી Darveys.comના સીઈઓ નકુલ બજાજ જણાવે છે કે, અમારું વેચાણ 30 ટકા વધી ગયું છે. અમારા સરેરાશ ઓર્ડરની વેલ્યુ રૂ.18,000થી રૂ.20,000ની હોય છે, પરંતુ આ વીકેન્ડમાં તે વધીને રૂ.26,500 થઈ ગઈ હતી. ઘણા ગ્રાહકોએ કેશ-ઓન-ડિલિવરી વખતે રૂ.2,000ની નોટ આપી છે.
સ્માર્ટ સેલ્સઃ
દિલ્હીના GTB નગરમાં આવેલી એક માંસની દુકાનની બહાર લાગેલું પાટિયું સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેના પર લખ્યું છે – રૂ.2,000ની નોટ આપો અને રૂ.2,100નો માલ ખરીદો. સ્માર્ટ સેલ્સની આ પોસ્ટ ટ્વીટર પર મૂકવામાં આવી છે.
If you think RBI is smart, think again cos Delhites are much smarter.
What an innovative way to increase your sales! 😅#2000Note pic.twitter.com/ALb2FNDJi0
— Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) May 22, 2023
સોના-ચાંદીની ખરીદીઃ મુંબઈનું ઝવેરી બજાર હોય કે સુરતનું, બધે એકસમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે. કેટલાક ઝવેરીઓએ રૂ.2,000ની નોટ રોકડમાં સ્વીકારવાની તૈયાર દર્શાવી છે. પરંતુ આવી રીતે સોનું ખરીદવું હોય તો તમારે 10 ગ્રામ માટે રૂ.70,000 સુધી આપવાની તૈયારી રાખવી પડશે. આવી રીતે થતા સોદાના માર્કેટને ગ્રે માર્કેટ અથવા બિનસત્તાવાર બજાર કહે છે. અમદાવાદના ગ્રે માર્કેટમાં રૂ.2,000ના બદલામાં સોનું ખરીદવું હોય તો, 10 ગ્રામનો ભાવ રૂ.70,000 બોલાયો છે જ્યારે અન્ય શહેરોમાં જ્વેલર્સ રૂ.63,800 સુધીનો ભાવ લઈ રહ્યાં છે. રિઝર્વ બેન્કની જાહેરાત થઈ ત્યારથી સોના-ચાંદીના ઘરેણાં વેચનારાને ત્યાં ઈન્ક્વાયરી વધી ગઈ છે અને લોકો રૂ.2,000ની નોટો કાઢી નાખવા માટે સોનું અથવા ચાંદી ખરીદવાનો વિકલ્પ અપનાવી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન સૈયામ મહેરા કહે છે કે, 2,000ની નોટ આપીને સોનું અને ચાંદી ખરીદવાની ઈન્કવાયરીમાં જબરજસ્ત વધારો થયો છે. શોરૂમમાં અને દુકાનોમાં શનિવાર અને રવિવારે અનેક લોકો આવ્યા હતા, પરંતુ KYC સંબંધિત નિયમો કડક હોવાથી વાસ્તવિક વેચાણમાં વધારો થયો નથી.
પેટ્રોલ પમ્પઃ લોકો રૂ.2,000ની નોટ લઈને પેટ્રોલ પમ્પે પહોંચી રહ્યાં છે. શુક્રવાર સાંજથી જ આવી રીતે પેટ્રોલ ભરાવનાર વધી ગયા હતા. પેટ્રોલ પમ્પના માલિકોએ સરકાર અને રિઝર્વ બેન્ક પાસે 500ની નોટોની પણ માંગણી કરી છે, કારણ કે, લોકોને છૂટા આપી-આપીને તેમની પાસે અન્ય ચલણની ખોટ ઊભી થઈ છે. અગાઉ લોકો પેટ્રોલ ભરાવવા માટે કાર્ડ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા હતા, પરંતુ હવે 2,000ની નોટ આપીને પેટ્રોલ ભરાવી રહ્યાં છે. કેટલાક પેટ્રોલ પમ્પના ડીલર્સે તો કંટાળીને ગ્રાહકો પાસેથી આઈડી પ્રૂફ લેવાનું શરૂ કર્યું છે જ્યારે કેટલાકે પમ્પની બહાર બોર્ડ મારી દીધા છે કે, અહીં રૂ.2,000ની નોટ સ્વીકારવામાં આવતી નથી.
કેશ ઓન ડિલિવરીઃ ઝોમેટોના ડિલિવરી બોયની હાલત કફોડી થઈ ગઈ છે. લોકો કેશ-ઓન-ડિલિવરી વિકલ્પ પસંદ કરીને ડિલિવરી બોય આવે ત્યારે 2,000ની નોટ કાઢીને ઊભા થઈ જાય છે. માત્ર ઝોમેટો જ નહીં, પરંતુ અન્ય ગ્રોસરી તેમજ ઈકોમર્સ કંપનીના ઓર્ડર્સ વખતે પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે.
ધાર્મિક સ્થળોએ દાનઃ કેટલાક લોકો 2,000ની નોટનું દાન મંદિરમાં જઈને કરી રહ્યાં હોવાના કિસ્સા બહાર આવ્યા છે. ધાર્મિક સ્થળોએ 2,000ની નોટ આપીને બીજા ચલણમાં પૈસા પાછા આપવાના કિસ્સા નોંધાયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો