Money9 Gujarati:
TCS Q2 results: ટાટા ગ્રૂપની સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ સપ્ટેમ્બર ક્વાર્ટરનાં પરિણામ જાહેર કર્યાં છે. TCS વેચાણની બાબતમાં ભારતની સૌથી મોટી IT સર્વિસિસ કંપની છે. કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 8.74 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ 11,342 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો છે, જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 10,431 કરોડ રૂપિયા હતો. TCSના બોર્ડે ટેન્ડર ઑફર મારફતે શેર બાયબેકની પણ મંજૂરી આપી છે. કંપનીએ પ્રતિ શેર 9 રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીનો શેર 11 ઓક્ટોબરના દિવસે રિઝલ્ટ જાહેર થયા અગાઉ 0.44 ટકા ઘટાડા સાથે 3,613 રૂપિયાએ બંધ રહ્યો હતો.
Rs 17,000 કરોડની બાયબેક યોજના
બોર્ડે પ્રતિ શેર 4,150 રૂપિયાના ભાવે 17,000 કરોડ રૂપિયા સુધીના બાયબેક પ્લાનને મંજૂરી આપી છે. કંપની 4,09,63,855 ઈક્વિટી શેર્સ બાયબેક કરશે, આ શેર કંપનીની કુલ પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલનો 1.2 ટકા હિસ્સો દર્શાવે છે. કંપનીનો શેર 3,613 રૂપિયાએ બંધ રહ્યો હતો, એટલે કે, બાયબેકનો 4,150 રૂપિયાનો ભાવ 15 ટકા પ્રીમિયમ દર્શાવે છે. કંપની જેટલા શેર બાયબેક કરવાની છે, તેમાં રિટેલ ક્વોટા 61,44,579 શેર્સનો છે. બાયબેક માટે રેકોર્ડ ડેટની જાહેરાત થવાની હજુ બાકી છે.
ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ
TCSના બોર્ડે પ્રત્યેક શેર પર 9 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેની રેકોર્ડ ડેટ 19 ઓક્ટોબર, 2023 છે અને પેમેન્ટ ડેટ 7 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે.
TCS Q2 રિઝલ્ટ
કંપનીએ આવકમાં અંદાજ કરતાં સારી વૃદ્ધિ હાંસલ કરી છે. બેન્કિંગ, ફાયનાન્સ સર્વિસિસ એન્ડ ઈન્સ્યૉરન્સ (BFSI) સેગમેન્ટમાં પડકારો હોવા છતાં કંપનીએ મજબૂત ઓર્ડર બુકના જોરે આવકમાં 7.9 ટકા વૃદ્ધિ કરી છે અને કુલ 59,692 કરોડ રૂપિયાની આવક કરી છે, જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 55,309 કરોડ રૂપિયા હતી. TCSના ઓપરેટિંગ માર્જિન 0.3 ટકા વધી 24.3 ટકા થયા છે.
Q2FY24ના અંતે કંપનીની ઓર્ડર બુક $11.2 અબજ હતી, જે $11-13 અબજ ઓર્ડર બુકના વિશ્લેષકોના અંદાજ પ્રમાણે અને બુક-ટુ-બિલ રેશિયો 1.6 હતી. ઓર્ડર બુક અગાઉના ક્વાર્ટરમાં $10.2 અબજ કરતાં વધી છે. TCSના CEO કે કૃતિવાસને જણાવ્યું હતું કે કંપનીની ઓર્ડર બુક મજબૂત છે જેના જોરે તેની પાસે બીજી સૌથી વધુ TCV છે. અમારી સેવાઓ માટેની માંગની સ્થિરતા, અમારા ગ્રાહકોના લાંબાગાળાના પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા અને Gen AI અને અન્ય નવી તકનીકીઓ સાથે પ્રયોગ કરવાની વૃત્તિ અમને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ આપે છે. TCSમાં કુલ 6,08,985 કર્મચારી છે. જેમાં મહિલા કર્મચારીનો હિસ્સો 35.8 ટકા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીનો છટણી દર 14.9 ટકા રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો