Money9 Gujarati:
દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા છેલ્લાં 5 વર્ષમાં 4 કરોડથી પણ વધુ ઘટી ગઈ છે. 2023ના ફેબ્રુઆરી સુધીના ડેટા અનુસાર, ભારતમાં મોબાઈલ યુઝરની સંખ્યા 114.1 કરોડ થઈ છે, જે 2019ના ફેબ્રુઆરીમાં 118.3 કરોડ હતી. આંકડા દર્શાવે છે કે, શહેરોની તુલનાએ ગામડાંમાં મોબાઈલ યુઝરની સંખ્યામાં વધારે ઘટાડો થયો છે. 2019ના ફેબ્રુઆરીમાં ગામડાંમાં મોબાઈલ યુઝરની સંખ્યા 65.6 કરોડ હતી, જે ફેબ્રુઆરી-2023માં ઘટીને 62.6 કરોડ થઈ છે, એટલે કે, 5 વર્ષમાં ગ્રામ્ય ક્ષેત્રોમાં મોબાઈલ યુઝરની સંખ્યા લગભગ 3 કરોડ ઓછી થઈ છે. ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાન મોંઘા કર્યા હોવાથી મોબાઈલ વાપરનારા લોકો ઘટ્યા છે.
મોબાઈલ યુઝર શા માટે ઘટી ગયા?
મોબાઈલ વપરાશકારની સંખ્યા ઘટવા પાછળ કેટલાક પરિબળ જવાબદાર છે, જેમાં મુખ્ય પરિબળ છે મોબાઈલના ટેરિફ પ્લાનમાં થયેલો વધારો. મોબાઈલના પ્લાન મોંઘા થઈ ગયા છે. અગાઉ સાવ પાણીના ભાવે વોઈસ પ્લાન મળતા હતા, પરંતુ ટેલિકોમ કંપનીઓએ વોઈસ પ્લાન અને ડેટા પ્લાનના ભાવ વધારી દીધા છે. 2G નેટવર્ક હેઠળ ચાલતા ફીચર ફોનના પ્લાન સૌથી વધુ મોંઘા થયા છે. છેલ્લાં 2 વર્ષમાં મોબાઈલના બેઝિક પ્લાનની કિંમત 100 ટકા સુધી વધી છે. દેશનાં લગભગ 30 ટકાથી 35 ટકા વાયરલેસ સબ્સક્રાઈબર્સ 2G નેટવર્ક આધારિત ફોનનો ઉપયોગ કરે છે. ઓછામાં પૂરું, તાજેતરમાં 2G અને 3G સર્વિસિસમાંથી અપગ્રેડ થઈને 4G સર્વિસ અપનાવનારા ગ્રાહકો પર પણ અસર પડવાની સંભાવના છે. અગાઉ લોકો બે સિમ રાખતા હતા, પરંતુ હવે આ સિમ મોંઘા પડે છે, એટલે લોકો એક સિમ બંધ કરાવવા લાગ્યા છે.
એરટેલે બંધ કર્યા મિનિમમ રિચાર્જ પ્લાન
ભારતી એરટેલે દેશનાં તમામ ટેલિકોમ સર્કલમાં તેના બેઝિક પ્લાનની કિંમતમાં રૂ.100 સુધીનો વધારો કર્યો છે. એટલે કે, એરટેલનો રૂ.99નો બેઝિક પ્લાન રૂ.199નો થઈ ગયો છે. આવા પ્લાનનો સૌથી વધુ ઉપયોગ ગામડાંનાં લોકો કરે છે. આ ઉપરાંત, ડેટા પેક પણ અગાઉ કરતાં મોંઘા થઈ ગયા છે. મોબાઈલ પ્લાન્સ મોંઘા થવાથી તેના વપરાશકારની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ખાસ તો, એક કરતાં વધુ સિમ કાર્ડનો ઉપયોગ કરનારા વપરાશકારો ઓછા થયા છે.
ટેલિકોમ કંપનીઓએ લાંબા સમયથી નિષ્ક્રિય હોય તેવા મોબાઈલ કનેક્શન ફટાફટ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. અગાઉ તો, કંપનીઓને આવા નિષ્ક્રિય કનેક્શન બંધ કરવામાં રસ નહોતો, કારણ કે આવા કનેક્શનને કારણે પણ તેમના યુઝરનો આંકડો ઉપર રહેતો હતો. પરંતુ, હવે કંપનીઓને આવા કનેક્શનથી કોઈ ફાયદો થતો ન હોવાનું લાગી રહ્યું છે એટલે તેમણે નિષ્ક્રિય કનેક્શન બંધ કરવાનું વધારી દીધું છે. આ કારણસર પણ મોબાઈલ યુઝરનો આંકડો ઘટ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો