Money9 Gujarati:
આકરા ઉનાળા માટે તૈયાર રહેજો. આ વખતે અસહ્ય લૂની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એપ્રિલથી જૂન દરમિયાન ભારે ગરમી પડવાની શક્યતા છે અને ખાસ તો મધ્ય તથા પશ્ચિમી દ્વીપકલ્પના વિસ્તારોમાં અતિ ગંભીર અસર પડી શકે છે. ભારતમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે આકરી ગરમી પડવાની આગાહી પણ કરવામાં આવી છે. રાજકીય ગરમીની વચ્ચે કુદરતની ગરમી માટે પણ તૈયાર રહેવું પડશે.
ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં હીટવેટની અતિ ગંભીર અસર જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું છે કે, એપ્રિલ-જૂન દરમિયાન દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે અને ખાસ તો મધ્ય તથા પશ્ચિમી દ્વીપકલ્પમાં આકરી ગરમી પડવાની સંભાવના છે.
પશ્ચિમી હિમાલયન પ્રદેશ, ઈશાનના રાજ્યો તેમજ ઉત્તર ઓડિશાના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાની શક્યતા છે, એમ મોહપાત્રાએ ઉમેર્યું હતું.
આ સમયગાળા દરમિયાન મેદાની વિસ્તારોના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ઉપરના હીટવેવ દિવસોની શક્યતા છે. દેશના જુદા જુદા ભાગોમાં 10 થી 20 દિવસની ગરમીની ધારણા છે, જે સામાન્ય 48 દિવસની છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમયગાળા દરમિયાન, મેદાની વિસ્તારોના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ હીટવેવના દિવસો રહેવાની શક્યા છે. સામાન્ય રીતે દેશનાં વિવિધ પ્રદેશોમાં 4થી 8 દિવસ હીટવેવ રહે છે, પરંતુ આ વખતે 10થી 20 દિવસ હીટવેવ જોવા મળશે, એમ મોહપાત્રાએ જણાવ્યું હતું.
એપ્રિલમાં દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની શક્યતા છે અને ખાસતો મધ્ય દક્ષિણ ભારતમાં આવી સ્થિતિ જોવા મળશે.
એપ્રિલમાં પશ્ચિમી હિમાલયન પ્રદેશ અને ઈશાન ભારતનાં રાજ્યોના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચું અથવા સામાન્ય રહેવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે 1 એપ્રિલે જાહેર કરેલા અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઘઉંની કાપણી દરમિયાન, ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં અને પૂર્વ તથા પશ્ચિમી કાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઉપર અને દેશના બાકીના વિસ્તારોમાં સામાન્યની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઘઉંનું ઉત્પાદન કરનારા રાજ્યોમાં મધ્ય પ્રદેશને બાદ કરતાં અન્ય રાજ્યોમાં લૂની કોઈ ચેતવણી નથી.
મધ્ય પ્રદેશમાં અત્યારે ગરમીનો પારો 37થી 40 ડિગ્રીની વચ્ચે છે અને આગામી સપ્તાહે 42 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અત્યારે મધ્ય પ્રદેશમાં ઘઉંની લણણીનું 90 ટકા કામ પતી ગયું છે, એટલે ગરમીની અસર ઘઉંના પાક પર પડવાની સંભાવના ઓછી છે. ધારો કે, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર થઈ જાય તોપણ ઘઉંના પાક પર અસર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022-23માં ભારતમાં 11.055 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. તેમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 30.40 ટકા, મધ્ય પ્રદેશનો હિસ્સો 20.56 ટકા, પંજાબનો હિસ્સો 15.18 ટકા, હરિયાણાનો હિસ્સો 9.89 ટકા અને રાજસ્થાનનો હિસ્સો 9.62 ટકા હતો.
ભારતમાં ઓક્ટોબરમાં ઘઉંની વાવણી થાય છે અને મોટા ભાગના રાજ્યો એપ્રિલની આસપાસ લણણી શરૂ કરે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વખતે 80થી 85 ટકા ઘઉંનું વાવેતર 25 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે અથવા વહેલું થયું હતું.
આ વખતે ઘઉંનું ઉત્પાદન 11.2થી 11.4 કરોડ ટન રહેવાની અપેક્ષા છે. સરકારી આંકડા કહે છે કે, 2017-18માં ભારતમાં ઘઉંનું ઉત્પાદન 9.987 કરોડ ટનથી વધીને 2022-23માં 11.055 કરોડ ટન થયું હતું. આ સમયગાળા દરમિયાન ઘઉંનો વાવેતર વિસ્તાર 2.967 કરોડ હેક્ટરથી વધીને 3.178 કરોડ હેક્ટર થયો હતો.
2022માં ગરમ પવન ફૂંકાવાથી ઘઉંના પાક પર અસર પડી હતી અને ગુણવત્તા બગડી હતી. 2021માં ઉત્પાદન 10.959 કરોડ ટનથી ઘટીને 2022માં 10.77 કરોડ ટન થઈ ગયું હતું. આ કારણસર ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો