Money9: સ્વિગી અને ઝોમેટો પરથી ઓર્ડર કરીને ખાવાનું મંગાવતા લોકોને વધારે કિંમત ચૂકવવી પડે છે તે વાતથી હવે કોઇ અજાણ નથી. પરંતુ હવે તમારે ઓનલાઇન ફૂડ મંગાવવા માટે આ બે મોટી કંપનીઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી. તમને સસ્તામાં ફૂડ ઓર્ડર કરી શકો છો. સસ્તુ ખાવાનું ખાવાના તમારા આ સપનાને ઇ-કોમર્સ પ્લેટફોર્મ ONDC હકીકતનું સ્વરૂપ આપી રહ્યું છે. ઘણાં બધા લોકો આ રીતે પોતાના પૈસા બચાવી રહ્યા છે. શું છે આ ONDC, કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે બદલાઇ રહ્યા છે બજારના સમીકરણ. આવો આ બધી બાબતોને આ રિપોર્ટમાં સમજીએ.
ONDC શું છે?
ONDC એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ એક ઓપન સોર્સ નેટવર્ક છે જેને સરકારે ડેવલપ કર્યું છે જેના પર સ્થાનિક અને નાના વેપારીઓને નેટવર્ક ઇનેબલ્ડ એપ્લિકેશન મળે છે. ONDC નું લક્ષ્ય ઇ-કોમર્સ રિટેલર્સ માટે એક ઓપન પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનું છે. તેનાથી નાના વેપારીઓને તેમનો વેપાર વધારવામાં અને આ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓના વર્ચસ્વને ઘટાડવામાં મદદ મળશે. ONDC થી થતા ફાયદાને સરળ શબ્દોમાં સમજીએ. તેનાથી એ થશે કે નાના વેપારીઓ અને નાના દુકાનદાર ગ્રોસરી, ફૂડ ઓર્ડર તેમજ ડિલીવરી, હોટલ બુકિંગ તેમજ ટ્રાવેલ સહિત તમામ ધંધામાં પોતાની પહોંચ વધારી શકશે. એટલે કે વધુ લોકો સુધી પહોંચી શકશે.
સપ્ટેમ્બર 2022માં સૌપ્રથમ બેંગલુરુમાં ONDC શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે આ પ્લેટફોર્મ અનેક શહેરોમાં ઉપલબ્ધ છે અને લોકો સૌથી સારી ડીલ મેળવવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આને સમજવા માટે અમે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ અને ONDC વચ્ચે તુલના કરી. ફૂડ આઇટમ્સનું જ ઉદાહરણ લઇએ તો ONDC પ્લેટફોર્મ, રેસ્ટોરન્ટના ઓનરને સીધા જ કસ્ટમરને ફૂડ આઇટમ્સ વેચવાની સુવિધા આપે છે. તેમાં સ્વિગી અને ઝોમેટો જેવી થર્ડ પાર્ટી એપની જરૂરિયાત નથી પડતી. એટલે ફૂડ આઇટમ ઓછી કિંમતમાં મળી રહી છે. ONDC દ્વાર હાલ દરરોજ 10 હજાર ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.
કેવી રીતે કરશો તેનો ઉપયોગ
તમે પેટીએમ દ્વારા તેનો ઉપયોગ કરી શકો છો. પેટીએમમાં સર્ચ બાર પર ONDC ટાઇપ કરો. ત્યારબાદ ગ્રોસરી, ફૂડ, હોમ એન્ડ ડેકોર સહિત અનેક વિકલ્પ જોવા મળશે. જો ખાવાનું ઓર્ડર કરવું છે તો ONDC ફૂડમાં જાઓ. અને ત્યાંથી ફૂડ ઓર્ડર કરો. આ રીતે બાકીની ચીજો પણ ઓર્ડર કરી શકો છો.
ONDC દ્વારા કેવી રીતે થાય છે ડિલીવરી
આ પ્લેટફોર્મ પર મુખ્યત્વે બે પક્ષ હોય છે. એક બાજુ બાયર એટલે કે ખરીદનાર અને બીજી બાજુ સેલર એટલે કે વેચનાર. એકતરફ જ્યાં સેલર પક્ષે ગોફ્રુગલ અને ડિજિટ જેવી કંપનીઓ હોસ્ટ કરે છે તો બીજીબાજુ પેટીએમ, બાયર સાઇડ ઇન્ટરફેસ હોસ્ટ કરે છે. જ્યારે ONDC આ ઇન્ટરફેસની વચ્ચે હોય છે. માની લો કે તમે આ પ્લેટફોર્મ પરથી બર્ગરનો ઓર્ડર કર્યો. આ ટ્રાન્ઝેક્શનના બેકહેન્ડને હાયપર લોકલ સ્ટાર્ટઅપ મેજિકપિન સપોર્ટ કરશે. આ એપ ONDC પર બાયર અને સેલર એમ બન્ને નેટવર્કનો હિસ્સો છે. હવે ઓર્ડરની ડિલીવરીનું કામ ડુન્ઝો કરશે. ડીલીવરી એપ ડુન્ઝો આ કામ મેજીકપિનની સાથે ભાગીદારીમાં કરશે.
ONDC પાસેથી શું છે આશા
ONDCને ઓનલાઇન ડિલીવરીનું યુપીઆઇ કહેવામાં આવે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને આશા છે કે આનાથી મોટી તકોના નિર્માણમાં મદદ મળશે. ONDCને સફળ બનાવવામાં વોલમાર્ટ, ફ્લિપકાર્ટ, ટાટા અને રિલાયન્સ જેવી કંપનીઓની ભૂમિકા હશે. આવનારા વર્ષોમાં ONDC ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં મોટો ફેરફાર લાવનારુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાબિત થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો