Money9 Gujarati:
GST Collection in March 2024: સરકારને GSTથી થતી આવક જોરદાર વધી છે. ફેબ્રુઆરીમાં GST કલેક્શન 12.5 ટકા વધીને 1.7 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું અને હવે માર્ચ 2024માં સરકારી તિજોરીમાં 1.78 લાખ કરોડ રૂપિયાનો GST જમા થયો છે, તે વાર્ષિક ધોરણે 11.05 ટકાનો વધારો દર્શાવે છે. એટલે કે, જુલાઈ 2017માં GST વસૂલવાની શરૂઆત થઈ ત્યારપછી આ બીજો સૌથી મોટો આંકડો છે. આ રકમ અત્યાર સુધીમાં બીજું સૌથી વધુ માસિક GST કલેક્શન છે. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24માં કુલ 20.14 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાયું છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનાએ 11.7 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2023-24માં GSTની માસિક સરેરાશ વધીને 1.68 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2022-23માં 1.50 લાખ કરોડ રૂપિયા હતી.
રાજ્યોની વાત કરીએ તો, સૌથી વધુ GST કલેક્શન મહારાષ્ટ્રમાં થયું છે. માર્ચ 2024માં મહારાષ્ટ્રએ 27,688 કરોડની GST આવક નોંધાવી છે. મહારાષ્ટ્રને વાર્ષિક ધોરણે થતી GSTની આવક 22 ટકા વધી છે. માર્ચ 2023માં મહારાષ્ટ્રે 22,695 કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધાવ્યું હતું. માર્ચ 2024માં મહારાષ્ટ્ર બાદ કર્ણાટકે 13,014 રૂપિયાનું GST કલેક્શન હાંસલ કર્યું છે. ગુજરાતે 11,392 કરોડ રૂપિયાનું GST કલેક્શન નોંધ્યું છે, જે માર્ચ-2023માં થયેલા 9,919 કરોડ રૂપિયાની તુલનાએ 15 ટકા વધારો દર્શાવે છે. તામિલ નાડુએ 11,017 કરોડની GST આવક મેળવી છે. પાંચમા ક્રમે હરિયાણા છે. હરિયાણાએ 9,545 કરોડનું GST કલેક્શન કર્યું છે.
નાણા મંત્રાલયે 1 એપ્રિલે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “સ્થાનિક વ્યવહારોમાંથી GST કલેક્શનમાં 17.6 ટકાના નોંધપાત્ર વધારાને કારણે ઉછાળો આવ્યો હતો. નાણાકીય વર્ષ 2023-24 એક સીમાચિહ્નરૂપ છે, જેમાં કુલ GST કલેક્શન 20 લાખ કરોડ રૂપિયાને પાર થઈને 20.14 લાખ કરોડ રૂપિયા થયું છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો