Money9 Gujarati:
Small Cap Mutual Funds: રોકાણકારોએ ફરી સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ વધાર્યું છે. તાજી માહિતી પ્રમાણે, ઓક્ટોબરમાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 4,495 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું હતું, જે સપ્ટેમ્બરમાં 2,678.47 કરોડ રૂપિયા હતું. આમ, માસિક ધોરણે સ્મોલ કેપ સ્કીમ્સમાં 68 ટકા વધુ રોકાણ થયું છે. ઓગસ્ટમાં સ્મોલ કેપ સ્કીમ્સમાં 4,265 કરોડ રૂપિયાનું નેટ ઈન્વેસ્ટમેન્ટ નોંધાયું હતું.
ઈક્વિટી-ઓરિએન્ટેડ 11 ફંડ્સમાં ઓક્ટોબરમાં થયેલા કુલ 19,957.17 કરોડના રોકાણમાં 22 ટકા જેટલો હિસ્સો તો માત્ર સ્મોલ-કેપ ફંડ્સનો હતો. ઓક્ટોબરમાં ઈક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ્સની કેટેગરીમાં સૌથી વધુ રોકાણ સ્મોલ કેપ ફંડ્સમાં થયું હતું. આમ, રોકાણકારોમાં સ્મોલ કેપનું આકર્ષણ વધી રહ્યું હોવાની વાત સ્પષ્ટ થાય છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં ઓક્ટોબર મહિનામાં 19,957.17 કરોડનું રોકાણ આવ્યું હતું, જે સપ્ટેમ્બરના 14,091.26 કરોડના રોકાણ કરતાં 42 ટકા વધારે છે.
છેલ્લાં કેટલાક મહિનાથી સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી (AMFI)ના ડેટા અનુસાર, જૂન મહિનામાં સ્મોલ કેપ ફંડ્સમાં 5,472 કરોડ રૂપિયાનું રેકોર્ડ રોકાણ આવ્યું હતું. રોકાણકારોએ સ્મોલ કેપ્સમાં રોકાણ વધાર્યું હોવાથી કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે થોડાક સમય માટે સ્મોલ કેપ સ્કીમ્સમાં લમ્પ સમ ઈન્વેસ્ટમેન્ટ સ્વીકારવાનું પણ બંધ કર્યું હતું.
સ્મોલ કેપ સ્ટોકસનું પ્રદર્શન કેવું રહ્યું તે જાણવા માટેનું બેરોમીટર ગણાતો BSE SmallCap index ચાલુ કેલેન્ડર વર્ષમાં 32 ટકા વધ્યો છે. 2023માં મુખ્ય સેન્સેક્સ 7 ટકા પણ વધ્યો નથી, તેની સામે સ્મોલ કેપ ઈન્ડેક્સ 32 ટકા ઊંચકાયો છે અને આ કારણસર રોકાણકારોને લાગે છે કે, સ્મોલ કેપ્સમાં હજુ પણ તેજીનો અવકાશ છે. આથી, રોકાણકારો સ્મોલ કેપ્સમાં વધારે રોકાણ કરી રહ્યાં છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગના એક્સપર્ટ કહે છે કે, રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે. સ્મોલ કેપ્સમાં રોકાણ કરતાં પહેલાં રોકાણકારોએ પોતાની રીતે રિસર્ચ કરી લેવું જોઈએ અને પોતાના આર્થિક સલાહકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવો જોઈએ.
ઓક્ટોબર મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં થયેલા રોકાણમાં સ્મોલ કેપ બાદ સૌથી વધુ રોકાણ સેક્ટોરલ/થીમેટિક ફંડ્સમાં નોંધાયું હતું. AMFIના ડેટા પ્રમાણે, ઓક્ટોબરમાં આ કેટેગરીમાં 3,896 કરોડ રૂપિયાનો નેટ ઈનફ્લો રહ્યો હતો. આ કેટેગરીમાં છેલ્લાં પાંચ મહિનાથી સતત રોકાણ વધી રહ્યું છએ.
અન્ય કેટેગરી ELSSમાં ઓક્ટોબરમાં સૌથઈ ઓછું રોકાણ આવ્યું હતું. આ કેટેગરીમાં માત્ર 266.35 કરોડનું રોકાણ આવ્યું હતું જ્યારે રોકાણકારોએ 141.15 કરોડ રૂપિયાના યુનિટ વેચી દીધા હતા.
ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સમાં ઓક્ટોબરમાં કુલ 398 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું. લાર્જ કેપ કેટેગરીમાં 723.81 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. આ કેટેગરીમાં સતત પાંચ મહિનાથી રોકાણ બહાર જતું હતું, પરંતુ ઓક્ટોબરમાં ઈનફ્લો નોંધાયો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો